Street Animal Attack : રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રાજકોટમાં ફરી એકવાર રખડતા ઢોરે માણસો પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. ગાંધીગ્રામ વિસ્તારના ગોવિંદનગરમાં ઢોરે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. ગાયે નાથાભાઇ મુળજીભાઈ નામના વૃદ્ધને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેના બાદ 108 માં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ પાલિકાની કામગીરી છતાં શહેરમાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય જોવા મળે છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોવિંદનગરમાં આજે સવારે ગાયે નાથાભાઈ મુળજીભાઈ નામના વૃદ્ધને ઢીંક મારતાં હવામાં ફંગોળાઈ રસ્તા પર પટકાયા હતા. ગાયના હુમલાથી વૃદ્ધ ઘાયલ થયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી લોહીના ફુવારા છૂટ્યા હતા. નાથાભાઈની ઈજાથી રસ્તા પર લોહીનાં ખોબાચિયાં ભરાઈ ગયાં હતાં. બાદમાં આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને નાથાભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.  



ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટમાં સરકારે રજુઆત કરી હતી કે, રખડતા ઢોરનો ત્રાસ ડામવા જરૂરી પગલા લીધા છે. સરકારે કોર્ટને બાંહેધરી આપી હતી. જેના બાદ સરકારે કરેલી કામગીરીની વિસ્તારથી માહિતી આપતો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.