અમદાવાદઃ ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. શિયાળામાં આવેલા માવઠા સાથે વરસાદ તો આવ્યો, સાથે જ આફત પણ લાવ્યો... કારણ કે આ માવઠાએ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. રાજ્યમાં માવઠા બાદ કેવી છે ખેડૂતોની સ્થિતિ જોઈએ, આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીહા, જાણે જગતના તાત પર એકબાદ એક આફતનો માર ચાલુ જ છે. એક પણ એવી સિઝન નથી કે જે કોઈ પણ મુશ્કેલી વગર પાર પડી હોય, ક્યારેક વરસાદ ખેંચાઈ જાય, તો ક્યારેક મૂશળધાર વરસી જાય... એટલું જ નહીં મેઘરાજા શાંત હોય તો ક્યારેક વાવાઝોડા આવી જાય છે. એટલે કે જગતના તાતને દરવખતે રાતા પાણીએ જ રોવાનો વારો આવે છે. 


હાલ ભરશિયાળે આવેલા માવઠાએ જગતના તાતને ફરીથી રડાવ્યો છે. કારણે આ માવઠાએ ખેતરોમાં કરેલી વાવણી, ઉભા પાક તેમજ લણીને મૂકેલા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેમાં પણ સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે.


આ પણ વાંચોઃ મોરવા હડફના MLA નિમિષા સુથાર થયા ભાવુક, કાર્યકરોની લાગણી જોઇને આંખોમાં આંસુ આવ્યા 


ભરશિયાળે આવેલા માવઠાથી માત્ર ઉત્તર ગુજરાત જ નહીં. સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના કપાસ, જીરુ, ધાણા, ચણા સહિત તલના પાકને ભારે નુકસાન થયુ છે. જેતપુર તાલુકામાં ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક આડો પડી ગયો છે. ખેડૂતોનો તૈયાર પાક ઢળી પડતાં હવે બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ પણ નીકળશે તેવી આશા ખેડૂતોને રહી નથી. 


રાજકોટ જિલ્લામાં કરા સાથે આવેલા માવઠાએ ખેડૂતોની દશા બેસાડી દીધી છે. કારણ કે એક તરફ શિયાળો અને ભારે પવન અને કરા સાથે આવેલા વરસાદે ખેડૂતોના એરંડાના પાકનો સર્વનાશ કરી દીધો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર મેટોડા, તરઘડી, રામપર સહિતના ગામમાં ખેડૂતોએ 8 મહિનાથી તૈયાર કરેલો એરંડાનો પાક સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિમાં પહોંચી જતાં ખેડૂતો રાતા પાણીએ રોવા મજબૂર થયા છે. 


બોટાદ જિલ્લાની વાત કરીએ તો ચારેય તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે. પરંતુ બોટાદ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોનો ઉભો પાક, ખેતરમાં આડો પાડી દીધો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ થવાના કારણે કપાસ સહિત ખેડૂતોના કપાસ સહિત ઘઉં, ચણા, જીરૂં અને વરીયાળીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. 


આ પણ વાંચોઃ ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક પરંપરા નહીં ઉત્સવ છે.. જાણો તેનું મહત્વ અને ઈતિહાસ


બોટાદ જિલ્લામાં કપાસ ઘઉં, ચણા, જીરૂં સહિત સરગવાની ખેતી કરનારા ખેડૂકોને પણ રોવાનો વારો આવ્યો છે. કારણ કે બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ખેડૂતોએ સરગવાના પાકની ખેતી કરી હતી. જેમાં સરગવાનો ઉતારો શરૂ પણ થઈ ગયો હતો અને થોડા દિવસોમાં જ પાકની આવક પણ શરૂ થવાની તૈયારીમાં હતી. પરંતુ ખેડૂત પર આવેલી આ અણધારી આફતે ખેડૂતોના મોંઢા સુધી આવેલો પાકનો કોળિયો છીનવી લીધો છે. 


અમરેલી જિલ્લામાં માવઠાના કારણે ડુંગળી અને ચણાના પાકને વ્યાપક નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સાર્વત્રિક કમોસમી વરસાદ થયો, જેને લઇને ખેડૂતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. સામાન્ય રીતે ખેડૂતો શિયાળા પાકમાં ચણા ડુંગળી અને અન્ય કઠોળનું વાવેતર કરતા હોય છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ચણા અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. એટલુ જ નહીં ચણાના પાકમાં ખાર ધોવાઈ જતાં હવે ખેડૂતોને પોતાની આશા કરતા અડધો જ પાક ખેતરમાંથી મળશે. 


આ પણ વાંચોઃ વિલન વરસાદ વચ્ચે રિયલ હીરો બન્યા આ સુરતી સોસાયટીવાળા, 13 દીકરીઓ માટે પિયરીયા બન્યા


રાજકોટ, અમરેલી, બોટાદ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી, જાણે ચોમાસાનો વરસાદ વરસતો હોય તેવી ગતિએ કમોસમી વરસાદ થયો. ભરશિયાળે આવેલા કમોસમી વરસાદના કારણે વરિયાળી, જીરુ, અજમો, ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ચુડા, ધ્રાંગધ્રા, મુળી, વઢવાણ સહિતના વિસ્તારોમાં ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. 


એવું નથી કે માત્ર સૌરાષ્ટ્રમાં જ મેઘરાજા આફત લઈને આવ્યા, સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેના કારણે મહામહેનત તૈયાર કરેલા ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube