ગૌરવ દવે, રાજકોટ: જન્માષ્ટમી પર યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં યાંત્રિક રાઇડ્સમાં ભાવવધારો આવી શકે છે. સૌરાષ્ટ્રના લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. 17થી 21 ઓગસ્ટ સુધી એમ કુલ 5 દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતે લોકમેળો યોજાશે. જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. પરંતુ લોકમેળામાં યાંત્રિક રાઇડ્સના સંચાલકો દ્વારા નાની રાઇડ્સના 20 રૂપિયા અને મોટી રાઇડ્સના 30 રૂપિયાના બદલે નાની રાઇડ્સના 50 રૂપિયા અને મોટી રાઇડ્સના 70 રૂપિયા કરવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઇડ્સના સંચાલકોનુ કહેવુ છે કે, વર્ષ 2015માં ભાવવધારો લાગુ કરાયો હતો, ત્યારબાદ આ ભાવવધારો કરાયો નથી. જેની સામે પ્લોટના ફોર્મથી લઇને પ્લોટની અપસેટ કિંમત, કર્મચારીઓના પગાર, ડિઝલના ભાવ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે જૂના ભાવ પોસાય તેવા ન હોવાનું રાઇડ્સના સંચાલકોનું કહેવું છે. જો કે નવા ભાવવધારાને જિલ્લા કલેક્ટરે માન્ય કર્યા નથી. જેના કારણે યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજી હજુ સુધી કરાઇ નથી.


મહત્વનું છે કે દર વર્ષે શ્રાવણ માસની રાંધણ છઠ્ઠથી દશમ સુધી રાજકોટના મેળામાં ગામેગામથી લોકો ઊમટી પડે છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. ત્યારે આ વર્ષે રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. 


તમને જણાવી દઈએ કે, છેલ્લાં બે વર્ષથી કોરોના કહેરના ગ્રહણને લઈને રાજકોટમાં જન્માષ્ટમીના મેળાના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે મેળો યોજાવા જઇ રહ્યો છે. જેમાં સંચાલકો દ્વારા યાંત્રિક રાઇડના ભાવમાં વધારો કરવાની માગ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube