સૌરાષ્ટ્ર યુનિ.ની વેક્સીનેશન ઝુંબેશ, વેક્સીન મુકાવનાર વિદ્યાર્થીઓને મળશે આ ફાયદો
કોરોનાની ત્રીજી લહેર પહેલા વધુમાં વધુ લોકો વેક્સીન મુકાવે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ વેક્સીનેશન ઓછું થઈ રહ્યું છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેક્સીનેશન માટે ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે
- સિન્ડિકેટ બેઠકમાં ઉપકુલપતિ વિચાર રજૂ કરી કરશે દરખાસ્ત
- વેક્સીન લેનારને હાજરીના 5 ગુણ આપવાનું આયોજન
- ઓનલાઈન અભ્યાસને કારણે હાજરી ફરજિયાત નથી પણ માર્કસ મુકવામાં આવશે
ગૌરવ દવે/ રાજકોટ: કોરોનાની ત્રીજી લહેર પહેલા વધુમાં વધુ લોકો વેક્સીન મુકાવે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ વેક્સીનેશન ઓછું થઈ રહ્યું છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેક્સીનેશન માટે ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ વેક્સીન મુકાવે અને પરિવાર તેમજ પાડોશીને પણ વેક્સીન મુકવા સમજાવશે. વેક્સીન મુકનાર વિદ્યાર્થીને 5 માર્કસ આપવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિચારણા કરી રહી છે. જેના માટે દરખાસ્ત સિન્ડિકેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં વેક્સીનેશનની ઝડપ વધારવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે. વેક્સીન અંગે ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં જાગૃતતા આવે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને મેદાને ઉતારવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ ઝી 24 કલાક સાથે ખાસ વાત કરતા કહ્યું હતું કે, વેક્સીનેશન ઝડપી થાય અને ત્રીજી લહેરમાં મોટાભાગનાં લોકો વેક્સીન લઇને સુરક્ષીત થાય તે માટે 18 વર્ષ કરતા મોટી ઉંમરનાં વિદ્યાર્થીઓને વેક્સીન લેવા અપિલ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ પોતાનાં પરિવારજનોને અને પાડોશીને વેક્સીન લેવા માટે સમજાવશે. ખોટી ગેરમાન્યતા અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ લોકોને સમજાવશે.
આ પણ વાંચો:- રાજકોટમાં વેક્સીનેશન ઘટ્યું, 20 હજારના લક્ષ્યાંક સામે માત્ર 8 હજાર લોકોનું જ વેક્સીનેશન!
આવી રીતે અપાશે 5 ગુણ
આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેક્સીન લેનાર વિદ્યાર્થીઓને પાંચ માર્કસ આપવાનું આયોજન કરી રહી છે. જેમાં સામાન્ય રીતે હાજરીના પાંચ માર્કસ મુકવામાં આવતા હતા પરંતુ ઓનલાઇન અભ્યાસનો સરકારનો પરિપત્ર હોવાથી હાજરી ફરજીયાત નથી. તેવામાં આ પાંચ માર્કસ વેક્સીન લેનાર વિદ્યાર્થીઓને આપવા માટેની દરખાસ્ત સિન્ડીકેટની બેઠમાં મુકવામાં આવશે. તમામ સિન્ડિકેટ સભ્યો આ દરખાસ્તને મંજૂરી આપશે તો વહેલી તકે અમલવારી પણ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube