Farming: ઠંડા પ્રદેશની સ્ટ્રોબેરીની સૌરાષ્ટ્રમાં મબલખ ખેતી, જાણો ખેડૂતો કેવી રીતે કરે છે તગડી કમાણી
ગુજરાતના ખેડૂતો ખેતીમાં નવા નવા પ્રયોગો કરી રહ્યાં છે, સૂકા રણપ્રદેશમાં ઉગતા ક્રેક્ટસ પ્રજાતિના ડ્રેગન ફ્રૂટ હોય કે પછી રણપ્રદેશમાં થતી ખજૂર, ખારેકની ખેતી હોય, હવે સૌરાષ્ટ્રના ખેડૂતે શરૂ કરી છે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી.
કુંતલ સોલંકી, અમદાવાદઃ કોરોના સમયમાં અનેક લોકોને પોતાની આગવી પ્રતિભા બહાર લાવવાનો સમય મળ્યો છે. ખેતીમાં પણ આવુ જ કઈક થયું છે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી પર ભાર મૂક્યો છે અને અવનવી ખેતીમાં હાથ અજમાવ્યો છે. પણ કોઈ કેમિકલ એન્જિનિયરે અનોખી ખેતી શરૂ કરી હોય તેવું સાંભળ્યું છે ખરું? તો અમે તમને જણાવવા માગીએ છીએ કે ગોંડલના મૂળ ખેડૂત પણ કેમિકલ એન્જિનિયર તરીકે રિટાયર્ડ વ્યક્તિએ કરી છે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી.
સૌરાષ્ટ્રના ગોંડલ પંથકના લોકો સામાન્ય રીતે કાળઝાળ ગરમી અને પાણીની અછત વચ્ચે જીવે છે. હવે આવા સમયે ખેતી કરવી હોય તો અહીં આબોહવા મુજબ અને જરૂરિયાતની વસ્તુ સાથે જ કરવી પડે. પણ કેમિકલ એન્જિનિયર તરીકે રિટાયર્ડ થયેલા ગિરિશ ધુલિયાએ પોતાના ભાઈ રાજેશ ધુલિયા સાથે મળી કઈક હટકે કામ કર્યું છે. અને કામ કરવાનો વિચાર તેમને આવ્યો કોરોના કાળમાં..તેમણે ઠંડાપ્રદેશમાં ઉગતી સ્ટ્રોબેરની ખેતી શરૂ કરી અને આ સફળ ખેતી કરી મેળવી છે મબલખ આવક...નવાઈ લાગે તેવી આ ખેડૂતની સિદ્ધિ છે. સામાન્ય ખેતી કરવી ગોંડલમાં મોટો પડકાર છે ત્યારે તેમણે તો અશક્ય કામને શક્ય કરી બતાવ્યું છે. ગિરિશભાઈએ સ્ટ્રોબેરની છોડવા ખાસ મહાબળેશ્વરથી મંગાવ્યા હતાં.
સ્ટ્રોબરીના છોડને ઠંડુ વાતાવરણ આપવા મથામણ
તમણે સ્ટ્રોબેરીના છોડને ઠંડક આપવા માટે ટીડીએસ નિયંત્રિત કર્યુ. કોમર્શિયલ આરઓ સિસ્ટમ અપનાવી મલ્ચિંગ કર્યું. ટપક સિંચાઈ પદ્ધતિ દ્રારા સ્ટ્રોબેરીના પાકને સતત પાણી આપી તાપમાન ઠંડુ રાખ્યું. પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર પદ્ધતિ અંતર્ગત ખેતરમાં પ્લાસ્ટિક પાથરી સ્ટ્રોબેરીના છોડવા રોપવામાં આવ્યા છે. જેથી ભેજ જળવાઈ રહે.
રોજના 50 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન
ગોંડલ પંથકમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું છે અને તે પણ રોજના 50 કિલો જેટલી સ્ટ્રોબેરી ઉતરે છે.
15 ઓક્ટોબરથી વાવેતર શરુ હતું જેમાંથી 400 રુપિયા કિલોના ભાવે મળતી 40થી 50 કિલો સ્ટ્રોબેરી વેચી મહિને અંદાજિત 6 લાખ રુપિયાની કમાણી કરી રહ્યાં છે. આગામી માર્ચ મહિના સુધી રોજિંદા 100 કિલોગ્રામ સ્ટ્રોબરીનું ઉત્પાદન કરવાનો તેમનો લક્ષ્યાંક છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીના છોડ દીઠ 1 કિગ્રા સ્ટ્રોબેરી થાય છે તેમણે નિવૃત્તિના સમયમાં નવું ઈનોવેશન કરી એક છોડમાં સવા કિલો જેટલી સ્ટ્રોબરી મેળવી છે જે ખરેખર સારામાં સારી સિદ્ધિ ગણી શકાય.
શિયાળાની શરૂઆતથી બજારમાં સ્ટ્રોબેરની માગ
સામાન્ય રીતે આપણે માત્ર લાલ જ સ્ટ્રોબેરી ખાધી છે સામાન્ય મીઠી હોય છે પણ તમને ખ્યાલ નહીં હોય કે સ્ટ્રોબેરીની અનેક જાત પણ છે. વિન્ટર સ્ટાર્ટ, વિન્ટર ડાઉન, એલિયટ, સ્વિટ સેન્સેશન આ તમામ સ્ટ્રોબેરી ઠંડા વાતાવરણમાં જ ઉગે છે તેમ છતાં ગિરિશભાઈએ પોતાના ખેતરમાં તેનું વાવેતર કર્યું છે.
ગુજરાત સ્તરે બ્રાન્ડિંગની ઈચ્છા
ગિરિશભાઈ હાલ સ્ટ્રોબેરીનું માર્કેટિંગ રાજકોટમાં જ કરી રહ્યાં છે પણ તેમની ઈચ્છા ગુજરાતભરમાં બ્રાન્ડિંગ કરવાની છે. મહાબળેશ્વર સ્ટ્રોબેરનીનો ભાવ 350 રૂપિયા છે તેમ છતાં ઘરઆંગણે મળતી ગોંડલની આ સ્ટ્રોબેરની ભાવ 400 રૂપિયા હોવા છતાં સારી માગ છે. અને માર્ચ મહિનામાં જો વાતાવરણ સાથે આપશે તો આ માગ હજુ પણ વધશે તેવી આશા આ બંધુઓ સેવી રહ્યાં છે. ધુલિયા બંધુઓની આ સિદ્ધી ત્યારે સફળ ગણાશે જ્યારે રાજ્યના અન્ય ખેડૂતો પણ આવુ જ કઈક નવીન કરી એવા પાકની ખેતી કરતા થશે જેનાથી ના માત્ર ખેડૂતને ફાયદો થશે પણ ગુજરાતના લોકોને અવનવા પાક, ફળ અને શાકભાજી માટે અન્ય રાજ્યના આધારે નહીં બેસવું પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube