ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોના કાળો કહેર વર્તાઈ રહ્યો છે. છેલ્લાં 44 કલાકમાં 76 દર્દીના મોત નિપજ્યા છે. તમામ દર્દીના કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. જોકે, એક તરફ વેપારીઓ જ્યાં સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. ત્યાં હવે કોલેજો પણ વેકેશન તરફ વળી છે. કોરોનાના કહેરને જોતા રાજ્ય સરકારે શાળાઓમાં તો વેકેશન જાહેર કરી દીધું છે, પરંતુ હવે યુનિવર્સિટી અને કોલેજો પણ વેકેશનના નિર્ણયો લઈ રહી છે. આવામાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેકેશન જાહેર કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા વેકેશન બાદ લેવાનો નિર્ણય કરાયો છે. આગામી 5 જૂન સુધી યુનિવર્સિટીના ભવનો અને કોલેજોમાં વેકેશન જાહેર કરાયું છે. કોરોના કાળથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એકેડેમિક કેલેન્ડર રફેદફે થઈ ગયું છે. એકેડેમિક કેલેન્ડર મુજબ દ્વિતીય સત્ર 24 મેના રોજ પૂર્ણ થવાનું હતું. પરંતુ વધતા જતા કોરોના સંક્રમણને જોતા હાલ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. 


તો બીજી તરફ, રાજકોટમાં કોરોનાના સંક્રમણમાં આંશિક રાહત જોવા મળી છે. સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઈસ્કૂલમાં ગ્રાઉન્ડમાં દર્દીઓની લાઈનો ઓછી જોવા મળી છે. લાંબા સમય બાદ આવુ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. સાથે જ કોવિડ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પણ ઘટ્યા છે. ત્રણ દિવસ થી લાઈનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને હવે લાઈનમાં ઉભું રહેવું નથી પડતું. જેથી તંત્રને પણ થોડો રાહતનો શ્વાસ અનુભવાઈ રહ્યો છે.