કોરોના બાદની બાળકોની માનસિક સ્થિતિ પર સરવે, મળ્યા ચોંકાવનારા જવાબ
મારા બાળકને કોરોના ભલે થાય હું તેની દવા કરાવી લઈશ પણ આ ઓનલાઈન શિક્ષણ ન જોઈએ. મોબાઈલમાં ન જોવાનું જોશે અને અમારા ખાનદાનની આબરૂ જાય એવું થશે તો હું મારા વડવાઓને ઉપર શું મોઢું દેખાડીશ? મારા અને મારા પરિવારે આપેલ વર્ષોના સંસ્કારો આ મોબાઈલ અને ઈન્ટરનેટ તરત જ ધોઈ નાખશે માટે ઓનલાઈન શિક્ષણ તો કયારેય નહી. બાળ સમસ્યાના સર્વેમાં વાલીઓએ બળાપો કાઢ્યો
ગૌરવ દવે/રાજકોટ :જો આપણે શાંતિપૂર્ણ અને વિકાસશીલ સમાજની ઈચ્છા રાખીયે તો બાળકના મનને વ્યગ્ર થતા બચવવાની જવાબદારી આપણી બને છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના લેબઆસિસ્ટન્ટ ડૉ. મીરા જેપાર અને સેમ-1 ની વિદ્યાર્થીની ધારિતા ઝાંખડીયા ભવન, અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં બાળ માનસ પર થતી અસર માટે 1171 પર સર્વે કરાયો હતો. જેમાં ઘણી બાળ માનસની હકીકતો સામે આવી છે.
- શું તમારૂ બાળક આંખનો સંપર્ક ઓછો રાખે છે એટલે કે આંખમાં આંખ મેળવતું નથી? 61.40% લોકોએ હા કહી અને સાથે જણાવ્યું કે બાળકોમાં ઓનલાઈનને કારણે આંખોની સમસ્યા વધી છે.
- શું તમારૂ બાળક ઓછું બોલે છે અને ઓછું સાંભળે છે? 54.10% લોકોએ હા કહી. ઓનલાઈન એજ્યુકેશનને કારણે તેની વાતચાતુર્યતા ઘટી છે, ધૂની થઇ ગયા હોય એવું લાગે છે, બોલીએ તે ધ્યાન પર લેતા નથી.
- શું તમારા બાળકોનું વર્તન આક્રમક થયું છે? જેમાં 50% લોકોએ હા કહી અને જણાવ્યું કે ઓનલાઈન શિક્ષણ પછી પણ બાળકો મોબાઈલ કે લેપટોપમાં જ રચ્યા પચ્યા રહે છે અને જો કઈક કહેવામાં આવે તો ગુસ્સે થાય છે.
- શું તમારા બાળકમાં જીદ અને દલીલ વધી છે? 63.60% લોકોએ હા કહી. પારકી માં જ કાન વીંધે એ કહેવત મુજબ શિક્ષકો પાસે જ બાળકો વ્યવસ્થિત રહે ઘરે તો જીદ દલીલ કરીને માથાકૂટ કરતા હોય છે.
- શું તમારૂ બાળક પહેલા કરતા હવે વધુ જુઠું બોલે છે? 68.20% લોકોએ હા કહી જે સમાજ માટે ગંભીર ભય સ્થાન સમાન છે.
- શું તમારૂ બાળક હવે વધુ ડરપોક અને આધારિત થયું છે? 27.70% લોકોએ હા કહી
- શું તમારૂ બાળક ચીજ-વસ્તતુઓ તમને પૂછ્યા વગર લે છે? 19.80% લોકોએ હા કહી અને વધુમાં જણાવ્યું કે ચોરી કરવાની વૃત્તિ ઓનલાઈન શિક્ષણ પછી વધી છે.
- શું તમારા બાળકો શારીરિક ફરિયાદો જેમ કે આંખ દુ:ખવી, ડોક દુ:ખવી, કમર દુ:ખવી, પેટમાં દુ:ખવું વગેરે કરે છે? 27.50% લોકોએ હા કહી
- શું શાળામાં ફર્સ્ટ આવવાની સ્પર્ધાને કારણે તમારૂ બાળક ટેન્શનમાં હોય છે? જેમાં આશરે 26 % લોકોએ હા કહી .
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો .યોગેશ જોગસણ જણાવે છે કે, આશરે 15 થી 20% બાળકો સ્પર્ધાને કારણે એટલું બધું વાંચે છે કે તેમનું સામાજિક જીવન શૂન્ય બની જાય છે. આવા બાળકો હમેંશા ટેન્શનમાં રહે છે. તેના પર્ફોર્મન્સની વાત કરીયે તો ખાસ કરીને જે બાળક ઘણા વર્ષોથી ફર્સ્ટ આવે છે તે જાળવી રાખવાનું દબાણ હોય છે. જે બાળક પ્રથમ-બીજા ધોરણમાં પ્રથમ આવે છે તે નવમાં ધોરણમાં પણ પ્રથમ આવે તે જરૂરી નથી. તેજસ્વી વિદ્યાર્થીઓ પણ ઉતાર-ચડાવમાંથી પસાર થાય છે.
આવા બાળકોના માતાપિતાએ તેમને સામાજિક બનવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. સંબંધીઓ અને મિત્રો ને મળે તે માટે પ્રોત્સાહીત કરવા જોઈએ. બાળકોને અભ્યાસ ઉપરાંત બાબતો માટે જગ્યા આપો. ટાઈમ ટેબલ બનાવવું એ સારી વાત છે, પરંતુ અડધાથી વધુ સમય અભ્યાસ માટે અને થોડો સમય મનોરંજન માટે તે યોગ્ય નથી.
બાળક માટે શિક્ષણ ખુબ જ જરુરી છે, સાથે સાથે બાળકોના હૃદય અને મગજમાં રસ અને લગાવ પેદા થાય. ઘણી શાળાઓમાં, વર્તન સમસ્યાઓ, શેક્ષણિક સમસ્યાઓ, ધીમું શીખનાર વગેરે માટે સમસ્યાઓ સંબંધિત બાળકો માટે વર્ગો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.