મૌલિક ધામેચા/ અમદાવાદ : સરકારી રેશનિંગ કાર્ડ ધારકોના હક્કનું સસ્તું અનાજ બરોબાર સગેવગે કરવાનું રાજય વ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડની ફરિયાદમાં એક નહીં પણ 49 આરોપીઓના નામ પોલીસે બહાર પાડ્યા અને 8 શખ્સોની ધરપકડ કરી હતી. ગરીબોના હક્કના અનાજની કાળાબજારી કરનારા અનેક તત્વો અવારનવાર પોલીસ સકંજામાં સપડાતા હોય છે. આવા જ વધુ એક મોટા કૌભાંડનો અમદાવાદ ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતાં અને કૌભાંડના મુખ્ય આરોપી રફિક મહેસાણિયા, જાવેદ રંગરેજ લતીફ માણેસિયા અને મુસ્તફા માણેસિયા સહિત ક્રાઈમબ્રાંચે 8 શખ્સો પર સકંજો કસ્યો છે. કચેરીમાં કામ કરતાં કરતાં જ અનાજને સગેવગે કરવાનો વિચાર આવ્યો અને તે અમલમાં મૂકવા માટે રચ્યું મોટું ષડયંત્ર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 2 વર્ષથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સસ્તા અનાજને ગેરકાયદે સગેવગે કરી કરોડોમાં કૌભાંડને અંજામ આપ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ક્રાઈમબ્રાંચને આ મોટા કૌભાંડ અંગે જાણ થઈ તો આ દિશામાં તપાસ હાથ ધરી અને 49 શખ્સો સામે ફરિયાદ નોંધી. જેમાંથી 8ની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે પાલનપુરના કૌશિક જોશી અને હિતેશ ચૌધરીએ ગેમસ્કેમ અને સેવડેટા નામની એપ્લિકેશન 70 હજાર રૂપિયામાં બનાવી આપી હતી અને તેમની સાથે MSC ITમાં અભ્યાસ કરતાં દીપક ઠાકોરને પણ જોડ્યો હતો. આ તમામ આરોપીઓ જે વ્યક્તિનું રેશનકાર્ડમાં નામ હોય અને ઘણાં સમયથી અનાજ મેળવતા ન હોય તેવા લાભાર્થીના ડેટા એકત્ર કરી ખોટા બિલ બનાવી સાચા બિલ રજૂ કરતા હતાં. 


આરોપીઓએ પોતે બનાવેલા સોફ્ટવેરની મદદથી સસ્તુ અનાજ મેળવતાં ગ્રાહકના નામ, આધારકાર્ડ, રેશનિંગ કાર્ડ, સરનામુ અને ચાર અલગ અલગ ફિંગરનો ડેટા મેળવી લેતા હતાં. અત્યાર સુધી આરોપીઓએ 35 હજાર 962 એન્ટ્રીઓ મેળવી હોવાનું ક્રાઈમબ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. 


આ સમગ્ર કેસમાં આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે અને જે પ્રમાણે માહિતી મળી છે તે જોતા આ કૌભાંડનો આંકડો કરોડોને પાર જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા. રાજકોટ, ભાવનગર અને સુરતની સ્સતા અનાજની દુકાનના તમામ ધારકોના કૌભાંડી ચહેરાઓ બેનકાબ થઈ ગયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં વધુ કેટલાક નામ બહાર આવતાં અન્ય કૌભાંડીઓની ધરપકડ થશે તેવો પોલીસનો દાવો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube