ઉમેશ પટેલ/વલસાડ :દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પંજાબના મોહાલીવાળી ઘટના બની છે. વલસાડના ધરમપુરની એક શાળાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરે કે, રસોઈયો વિદ્યાર્થિનીઓના ન્હાતા ફોટો, વીડિયો બનાવે છે. એટલુ જ નહિ, આ રસોઈયો વિદ્યાર્થિનીઓને અસભ્ય વાતો કહેતો હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે વાલીઓ અને વિધાર્થીઓ શાળાએ ભેગા થઈને આ મામલે હોબાળો કર્યો હતો. વિધાર્થીનીઓને રસોઈયો હેરાન કરતો હોવાની ધરમપુર PSI ને લેખિત ફરિયાદ કરાઈ છે. આ મામલાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડા તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થીનીઓ તથા વાલીઓએ ગૃહમાતા અને રસોઇયાને હટાવવાની માંગ કરી છે. ત્યારે ગુજરાતની એક શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. 


ધરમપુરના ઓઝરપાડા સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, કરચોંડ તથા ધરમપુરમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો. તેઓએ શાળાના મેનુ મુજબના ભોજન નહીં મળતું હોવાની ફરિયાદ કરી. તેમજ શાળાનો રસોઈયો વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કરતો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, અમારા જમવામાં પણ કેટલીક વખત ઈયળો નીકળે છે.