અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ડાકલા વાગી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જનતાનું સમર્થન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, જેથી કોંગ્રેસ ફરી રાજ્યમાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પલડું કોંગ્રેસની સરખામણીએ ભારે દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં ચૂંટણી પહેલા અમુક એજન્સીઓ, વેબસાઈટો દ્વારા પોલ કરવામાં આવે છે. જોકે કેટલીક વખત પોલ સાચા સાબિત થતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ કરવામાં આવ્યો આ પોલ?
આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રાજકોટ, સુરેન્દ્રનગર અને હવે સુરતમાં સભા ગજવવાના છે. એટલું જ નહીં, ભારતીય રાજકારણી અને RSS સ્વયંસેવક અને વકીલ તેજસ્વી સૂર્યા પણ આજે રાજકોટના પ્રવાસે હતા. બીજી બાજુ કેન્દ્ર સરકારના મંત્રી મનુસખ માંડવિયા પણ સૌરાષ્ટ્રમાં હતા, ત્યારે ચૂંટણી ટાણે એકસાથે આટલા નેતાઓ આજે સૌરાષ્ટ્રના લોકોને આકર્ષવા પહોંચ્યા હતા. આજે સૌરાષ્ટ્ર રાજકારણમાં એપી સેન્ટર બન્યું હોવાથી જનતા પાસેથી તેમનો મૂડ જાણવા માટે ઝી 24 કલાક દ્વારા એક પોલ કરવામાં આવ્યો હતો.



આજે ઝી 24 કલાક દ્વારા બપોરે 12 વાગ્યાની આસપાસ કચ્છ- સૌરાષ્ટ્રની કુલ 54 બેઠકો માટે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચૂંટણી પહેલા જનતાનો મૂડ જાણવા માટે એક પોલ કરવામાં આવ્યો હતો. આ પોલમાં ટ્વિટર અને ફેસબુક પર હજારોની સંખ્યામાં લોકોએ પોતાનો મત જણાવ્યો હતો. સોશિયલ મીડિયામાં જનતાનો મૂડ જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.



સોશિયલ મીડિયા એપ ટ્વિટર પર કરાયેલ પોલ બાદ અલગ અલગ સમયે લીધેલા સ્ક્રિનશોર્ટ હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જોકે, પોલનો સમય 24 કલાક હોવાથી તેનું પરિણામ અલગ અલગ સમયે બદલાતું રહે છે. આજે સાંજે 6.30 વાગે લીધેલા સ્ક્રિન શોર્ટમાં આમ આદમી પાર્ટીને 19.7 ટકા, ભાજપને 78.8 ટકા અને કોંગ્રેસને 1.5 ટકા વોટ મળ્યા છે.



નોંધનીય છે કે, ટ્વિટર પર આ પોલ કરાયા બાદ તેના બે અલગ અલગ સમયના સ્ક્રિનશોર્ટ વાયરલ થયા છે. જેમાંથી એક સ્ક્રિનશોર્ટમાં આમ આદમી પાર્ટીને 73 ટકા સાથે સૌથી વધુ મત મળ્યા છે, જ્યારે બીજા સ્ક્રિન શોર્ટમાં ભાજપને 80 ટકા સાથે સૌથી વધુ મત મળ્યા છે.



ફેસબુકમાં કચ્છ- સૌરાષ્ટ્રની કુલ 54 બેઠકો માટે કરવામાં આવેલા પોલમાં સાંજે 6.30 વાગ્યા સુધીમાં 11 હજાર લોકોએ કોમેન્ટ કરીને પોતાનો મત જણાવ્યો છે, જ્યારે 4,100 યૂઝર્સે પોતાના અલગ અલગ રિએક્શન આપ્યા છે, અને ફેસબુક પર 68 લોકોએ આ પોલને શેર કર્યો છે.