ધમાલ બાદ છારાનગરમાં આખી રાત પોલીસનું સર્ચ ઓપરેશન, PSIનો હાથ ભાંગ્યો
પોલીસે છારાનગરમાં બહાર રહેલા વાહનોમાં તોડફોડ કરી હતી જ્યારે સ્થાનિક લોકો સાથે મારામારી કરી હતી
અમદાવાદ : શહેરનું છારાનગર દારૂના વેચાણથી માંડીને ચોરી અને મારામારી સહિતના બનાવો માટે કુખ્યાત છે. સરદારનગર નગર, નરોડા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં ફેલાયેલ આ સમગ્ર વિસ્તારમાં મોટે ભાગે છારાઓ અને સિંધી લોકોની વસ્તી છે. ખાસ કરીને આ વિસ્તાર દારૂ માટે સૌથી વધારે બદનામ છે. ગુરૂવારે રાત્રે સરદારનગર પોલીસ સ્ટેશનાં પીએસઆઇ રાઉન્ડમાં હતા ત્યારે ચેકિંગ દરમિયાન કેટલાક લોકો સાથે માથાકુટ થઇ હતી.
આ માથાકુટ મારામારીમાં પરિવર્તિત થઇ હતી. પરિસ્થિતી એટલી વણસી ગઇ હતી કે સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ પર હૂમલો કરી દીધો હતો. જેમાં પીએસઆઇનો હાથ ભાંગી ગયો હતો જ્યારે અન્ય એક કોન્સ્ટેબલનું માથુ ફુટી ગયું હતું. ત્યાર બાદ પોલીસે તે વિસ્તાર છોડીને ભાગવું પડ્યું હતું. જો કે હૂમલાથી ધૂંધવાયેલ પોલીસે ત્યારબાદ થોડી કલાકોમાં વધારે ફોર્સ સાથે સમગ્ર વિસ્તારમાં સર્ચ ચાલુ કર્યું હતું. હૂમલાખોરને પકડવા માટે પોલીસ દ્વારા સર્ચ ચાલુ કરાયું હતું. જેમાં વચ્ચે આવનાર દરેક માણસ કે વસ્તુને માર મારવામાં આવ્યો કે તોડફોડ કરવામાં આવી હતી.
સ્થાનિક મહિલાઓ અને બાળકો પર પણ પોલીસે જરા પણ દયા ખાધી નહોતી. બહાર આવનાર દરેક વ્યક્તિને માર માર્યો હતો. ગાડીઓના કાચ ફોડી નાખ્યા હતા. દ્વિચક્રી વાહનોને પાડી દીધા હતા. જ્યારે ઘાયલ પીએસઆઇ ડી.કે મોરીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ડીકે મોરી રાઉન્ડમાં હતા ત્યારે એક વ્યક્તિની એક્ટિવાના ચેકિંગ બાબતે માથાકુટ થઇ હતી. જો કે એક્ટિવામાંથી કઇ જ નહી મળી આવતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે મુદ્દો વણસતા છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેમાં પીએસઆઇના હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું. જ્યારે કોન્સ્ટેબલના માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી.