માત્ર 11 કેસથી સફાળું જાગ્યું ગુજરાતનું આ ગામ, સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી
- જામનગરના મોટી ગોપ ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન લાગુ કરાયું
- ગામમાં શાકભાજી, અનાજ કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ રાખવા ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો
મુસ્તાક દલ/જામનગર :ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આજે કહી ચૂક્યા છે કે, હજી એક અઠવાડિયું કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળશે. આવામાં ગાઈડલાઈનનું પાલન કરવું જ એકમાત્ર ઈલાજ છે. સરકાર દ્વારા આંશિક લોકડાઉન અને કરફ્યૂ તો લગાવવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતના એક નાનકડા ગામે સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. માત્ર 11 પોઝિટિવ કેસ આવતા જામનગરના મોટી ગોપ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે.
આ પણ વાંચો : હજી એક અઠવાડિયું ગુજરાતમાં કેસ વધશે : મુખ્યમંત્રી
જામનગરના મોટી ગોપ ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન લાગુ કરાયું છે. મોટી ગોપ ગામમાં એકસાથે 11 પોઝિટિવ કેસ આવતા ગામ લોકો દ્વારા આ નિર્ણય લેવાયો છે. આજથી 31 માર્ચ સુધી ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જામનગરના ગ્રામ્ય પંથકમાં પણ કોરોનાનો હાહાકાર મચી ગયો છે. આ નિર્ણય વિશે ગામના આગેવાન ભરતભાઈ સાગરે જણાવ્યું કે, ગામમાં શાકભાજી, અનાજ કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ રાખવા ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો છે. જેમાં લોકો પણ સહયોગ આપી રહ્યાં છે. હોળી-ધુળેટી પર્વની ઉજવણી પણ ગામડામાં બહુ જ સાદગીથી કરાશે.
આ પણ વાંચો : ભાજપ ક્યારે પોતાના નેતાઓ પર લગામ મૂકશે? સુરતમાં કાર્યકર્તાએ દીકરીના લગ્નમાં ભેગી કરી ભીડ
ગામના આગેવાનોના આ નિર્ણયને ગામવાસીઓએ આવકાર્યો છે. આજે સવારથી જ મોટી ગોપમાં સૂમસામ માહોલ જોવા મળી રહ્યો છે. નાગરિકોના હિતમાં જ આ નિર્ણય લેવાયો છે. જોકે, 31 માર્ચ સુધી ગામમાં આવો જ શાંતિપૂર્વક માહોલ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લાં 24 કલાક 297 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 38 કેસ,જામનગરમાં 35 કેસ અને જૂનાગઢમાં 8 કેસ નોંધાયા છે.
મોરબીમાં 12 કેસ, અમરેલીમાં 14 કેસ, સોમનાથમાં 6 કેસ અને દ્વારકામાં 7 કેસ સામે આવ્યા છે. જ્યારે પોરબંદરમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 8 કેસ અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : આ સાત લક્ષણો હોય તો કોરોના ટેસ્ટ જરૂર કરાવજો, સુરતમાં કોરોનાએ બદલ્યું રૂપ