ગુજરાતના આ શહેરમાં દર રવિવારે બંધ રહેશે તમામ બજાર
ડભોઇમાં હવેથી દર રવિવારે બજારો બંધ રહેશે, ચીફ ઓફિસર દ્વારા કરાવાઇ રહ્યું છે સેલ્ફ લોકડાઉનનું પાલન
કોરોનાનું સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, ડભોઇમાં દૈનિક 20 જેટલાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે
ડભોઇ ટાઉનનાં 10 જેટલાં બજારો બંધ રહેશે, 1700 દુકાનોનાં વેપારીઓ દ્વારા બંધ પાળી સહયોગ અપાશે
ચિરાગ જોશી/ડભોઈ :કોરોના સામે બચવુ હશે તો સેલ્ફ લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે, તેવુ હવે લોકો સમજી ચૂક્યા છે. તેથી હવે અનેક બજારો અને ઉદ્યોગો સેલ્ફ લોકડાઉન તરફ વળ્યાં છે. ત્યારે ડભોઈમાં બજારો સેલ્ફ લોકડાઉન તરફ વળ્યા છે. ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગુમાસ્તાધારા એક્ટ હેઠળ દર રવિવારે ડભોઇના તમામ બજારો બંધ રાખવા માટેની સૂચના અપાઈ છે.
આ સૂચનાને પગલે આજે વહેલી સવારથી જ તમામ વેપાર ધંધા વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યા છે. ચીફ ઓફિસરની સૂચનાનું પાલન કરવામાં આવ્યું હતું. બંધની સૂચનાને પગલે ડભોઇ નગરના જુદા જુદા 17 જેટલા બજારો વહેલી સવારથી જ બંધ જોવા મળ્યા હતા. એટલું જ નહિ, જો કોઈ વેપારી નિયમનો ભંગ કરશે તો ગુમાસ્તાધારાનું સાત દિવસ સુધી તેની દુકાનને પણ સીલ મારવાની તજવીજ હાથ ધરાશે તેમ ચીફ ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : જુનાગઢના દંપતીએ કેરીની એવી જાતિ ઉગાડી, જેને ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકશે
હવે દર રવિવારે જ્યાં સુધી કોરોના સંક્રમણ અટકે નહિ ત્યાં સુધી ડભોઇ નગરમાં 17 જેટલા બજારો બંધ રાખવામાં આવશે. કારણ કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રોજિંદા પણે ડભોઇ નગરમાં 20 જેટલા કેસ આવે છે. તેમજ દર રવિવારે ડભોઇ બજારમાં લોકોની ભારે ભીડ રહે છે. જેને લઇને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે તેવું સ્પષ્ટપણે કહી શકાય છે.