ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં ગેસ રીફિલિંગ કરતાં હોવાના અગાઉ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે એક અવનવો કિસ્સો સાંભળીને નવાઈ લાગશે. સુરતના પલસાણા તાલુકામાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ LPGનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું છે. જ્યાં માઈક લગાવી 80 રૂપિયે કિલો ગેસ વેચાઈ રહ્યો છે. જાહેર માર્ગ પર માઈક લગાવી વજનકાંટો મૂકી 80 રૂપિયા કિલો LPG ગેસનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જોકે તંત્ર હજુ સુધી હરકતમાં ન આવતા આવા કેટલાક ગેસ રીફિલિંગ કરતાં માફિયાઓને ખુલ્લો દોર મળી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80 રૂપિયે કિલો LPG ગેસનું વેચાણ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોટે ભાગના ગામોમાં ખુલ્લેઆમ માઈક લગાવી LPG ગેસ રીફિલિંગનો ગેરકાયદે વેપલો કરવામાં આવી રહ્યો છે. જાહેર રોડ પર "લઈ લો લઈ લો, 80 રૂપિયે કિલો ગેસ લઈ લો" તેવું જાહેરમાં માઈક લગાવી બોલી ગેરકાયદે શાકભાજીની જેમ ગેસ રીફિલિંગનો વેપલો ચાલી રહ્યો છે. 



અહીં કોઈપણ ફાયર સેફટીની સુવિધા વગર રોડ ઉપર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે, આવા ગેસ માફિયાઓ પાસે વેચાણ કરવા માટે ઘરેલુ ગેસની બોટલો કોણ પુરી પાડે છે? અને જો કોઈ મોટી દૂર્ઘટના સર્જાય તો તેના માટે પણ જવાબદાર કોણ?


આ ઘટના વિશે જ્યારે તંત્રને પુછવામાં આવ્યું ત્યારે જણાવ્યું હતું કે, ગેસ રીફિલિંગના ગેરકાયદે વેપલા બાબતે મને જાણવા મળ્યું છે, પરંતુ હાલ પુરવઠા મામલતદાર રજા પર હોવાથી કોઈ કાર્યવાહી કરી શકાય તેમ નથી. જોકે અમે બલેશ્વર ગામે રેડ કરી હતી. જ્યાંથી 14 હજાર 300નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.