અમદાવાદ કોર્પોરેશનની ગંભીર બેદરકારી, ઓક્સિજન પાર્ક તળાવમાં લીલ જામી, આવી રહી છે અસહ્ય દુર્ગંધ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લોકોના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્કમાં આવેલા તળાવમાં લીલ જામી ગઈ છે. જ્યારે પાલિકાના તંત્રએ આંખ બંધ કરી લીધી છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ગુજરાતમાં વહીવટી તંત્ર ખર્ચ અને તાયફા કરવામાં તો પાવરધું છે. પરંતુ જેના માટે ખર્ચ કરવામાં આવ્યો હોય તેની જાળવણીમાં નઘરોળ છે. રાજ્યના મહાનગરમાં તંત્રની ઘોર બેદરકારીથી પ્રજાના પૈસાની વેડફાટની બે ઘટનાઓ સામે આવી છે. અમદાવાદ અને સુરતમાંથી સામે આવેલી આ બન્ને ઘટનાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જુઓ પ્રજાના પૈસાના બેફામ વેડફાટ કરતા ઉદાસિન તંત્રનો આ અહેવાલ....
જરાતમાં વહીવટી તંત્ર કેટલું નઘરોળ અને ઉદાસિન છે તેના પુરાવા આ બન્ને દ્રશ્યો આપી રહ્યા છે. પહેલા દ્રશ્યો રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદના છે. જ્યાં સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્કમાં તળાવની દુર્દશા જોઈ શકાય છે. તળાવમાં લીલ જામી ગઈ છે. તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. તો બીજા દ્રશ્યો સુરતના છે. જ્યાં કોર્પોરેશને લાખોના ખર્ચે તાપી નદીમાંથી જળકુંભિ કાઢવાનું મશીન વસાવ્યું હતું. પરંતુ તંત્રની બેદરકારીને કારણે આ મશીન હાલ ખંડેર બની ગયું છે. પરંતુ તાપી નદીમાંથી થોડી પણ જળકુંભિ દૂર થઈ હોય તેમ લાગતું નથી.
આ પણ વાંચોઃ તાંદલજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા છે જર્જરિત, બિલ્ડીંગ છત, દિવાલ, પિલ્લર તુટી ગયા
રાજ્યની સૌથી મોટી અને સૌથી વધુ આવક ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાના બેદરકારીના અનેક કિસ્સા અવાર નવાર સામે આવતા રહે છે. વધુ એક કિસ્સો સાયન્સ સિટી વિસ્તારમાંથી સામે આવ્યો છે. કરોડોના ખર્ચે લોકોની સુવિધા માટે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્કની અંદર એક કુત્રિમ તળાવનું પણ નિર્માણ કરાયું છે. પરંતુ આ તળાવ યોગ્ય જાળવણીના અભાવે દયનીય સ્થિતિમાં આવી ગયું છે. તળાવમાં ચારે બાજુ લીલ જામી ગઈ છે. તળાવમાં ક્યાંય પાણી નજરે પડતું જ નથી. જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે...અસહ્ય દુર્ગંધ મારતા આસપાસના રહીશો પરેશાન થઈ ગયા છે...આ તળાવમાં પાણીના રોટેશન માટેના પંપ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી તળાવમાં ઓક્સિજનનું રોટેશન પણ નથી થઈ રહ્યું...જેના લીધે તળાવની આ હાલત થઈ છે...મહત્વનું છે કે 25 હજાર ચોરસમીટરમાં ફેલાયેલા આ ઓક્સિજન પાર્કની જવાબદારી એક કરતાં વધુ વિભાગને સોંપવામાં આવી છે...પરંતુ તમામ વિભાગ ઘોર નિંદ્રા માણતા હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકા શહેરીજનોની સુખાકારી માટે અલગ અલગ સુવિધાઓ ઉભી તો કરે છે. પરંતુ સુવિધાની જાળવણી યોગ્ય રીતે કરતું નથી. જેના કારણે થોડા સમય બાદ આ તમામ સુવિધાઓ લોકો માટે દુવિધા બની જાય છે. તો સુરત કોર્પોરેશન પણ તાપી શુદ્ધિકરણના નામે કરોડોનો ખર્ચ કરે છે. પરંતુ આ બધા જ પૈસા જાણે ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સામાં જતા હોય તેમ લાગી રહ્યું છે. પ્રજાના પૈસાનું પાણી અધિકારીઓ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.