અમદાવાદ : દિવાળી પહેલા જ અમદાવાદમાં ખરીદી માટે લોકોએ તમામ નિયમોને નેવે મુકીને ખરીદી કરી હતી. બજારોમાં લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. ત્યારે જ તંત્ર દ્વારા કોરોના વિસ્ફોટની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે હવે સાચી પડી રહી છે. બેખોફ બનીને લોકોએ જે ખરીદી કરી હવે અમદાવાદમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આ સ્ફોટક સ્થિતી 16 નવેમ્બરથી જ જોવા મળી હતી. જેના પગલે નાયબ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ જઇને પેદા થયેલી વિકટ સ્થિતી અંગે વિચાર વિમર્શ કરીને વધારે વોર્ડ શરૂ કરવા માટેની જાહેરાત કરવાની ફરજ પડી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તબક્કે દર્દીઓ એટલા ઘટી ગયા હતા કે સિવિલ હોસ્પિટલમાં અનેક વોર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઓક્સિજન અને વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે હવે દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. ખાસ કરીને ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા વર્ષનાં દિવસે જ 140 નવા કોરોના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ સિવિલમાં સારવાર લઇ રહેતા 625 દર્દી પૈકી 474 ઓક્સિજન પર છે. 

દિવાળીના તહેવારમાં લોકો બેદરકારી અને માસ્ક જેવી સામાન્ય નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું. શહેરનાં બાપુનગર, લાલદરવાજા, ત્રણ દરવાજા સહિતનાં વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના પગલે હવે કોરોના ટેસ્ટિંગ માટે પણ લોકો મોટા પ્રમાણમાં લાઇનમાં ઉભા રહે છે. આ ટેસ્ટમાં પોઝિટિવ આવનારા સામાન્ય લક્ષણના લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાઇ રહ્યા છે. જો કે ગંભીર લક્ષણ હોય તેવા લોકોને સીધા જ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. લોકો હજી પણ સચેત નહી રહે તો સ્થિતી વધારે સ્ફોટક થવાનો અંદાજ તંત્ર સેવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube