હાર્દિક દિક્ષીત/વડોદરા: સંસ્કારી નગરી કહેવાતા વડોદરા શહેર પર ગુનેગારો જાણે દાનત બગાડી બેઠા હોય તેમ લાગી રહ્યું છે અને તેમાં પણ શહેરમાં આજકાલ નશાના બંધાણીઓમાં ડ્રગ્સનું ચલણ ખૂબ વધ્યું છે. શહેર પોલીસનો કોઈ ડર ન હોવાના કારણે વડોદરા શહેર ડ્રગ્સ માફિયા માટે સુરક્ષિત સ્થળ સાબિત થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વડોદરા શહેરમાંથી ડ્રગ્સના જથ્થા સાથે એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી જેની પાસેથી પોલીસ દ્વારા લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે શું શહેરમાં ડ્રગ્સના બંધાનીઓની સંખ્યા દિવસ અને દિવસે વધી રહી છે? પોલીસના ચુસ્ત પહેરાના દાવા વચ્ચે ડ્રગ્સ માફિયા દ્વારા શહેરમાં કેવી રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે? આવા સવાલો તો અનેક છે, પરંતુ વડોદરા શહેર પોલીસમાં આ સવાલોના જવાબ આપનાર કોઈ નથી.



વડોદરા શહેરના નાગરવાડાથી કારેલીબાગ તરફ જવાના માર્ગે આવેલા ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એક ઈસમ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં એક શખ્સ શંકાસ્પદ હિલચાલ સાથે જણાઈ આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા તેની કડકાઈથી પૂછપરછ કરતા આ ઈસમનું નામ શાહરૂખ ખાન સરવર ખાન પઠાણ હોવાનું સામે આવ્યું હતું. અને તે પોતે એક ડ્રગ્સ પેડલર હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે આ ઈસમની અંગ જડતી કરતા તેની પાસેથી 7 લાખની કિંમતનું 70 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તો સાથે જ પોલીસ દ્વારા ડ્રગ્સ તોલવા માટેનો વજન કાંટો, મોબાઈલ તેમજ રોકડ રકમ પણ મળી આવી હતી.


ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલો શાહરૂખ ખાન પઠાણ તો માત્ર એક પ્યાદુ છે. કે જે નશાના બંધાણીઓને છૂટ્ટકમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો. મોટા ડ્રગ્સ માફિયા તો પોલીસ પકડથી હજી ઘણા દૂર છે. પોલીસ દ્વારા નવસારીના ડ્રગ્સ સપ્લાયર કપિલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જે ક્યારે પકડાશે તેની ખબર નથી.



પોલીસ ભલે નાના પ્યદાઓને પકડી સંતોષ માને પરંતુ એક વાત ચોક્કસ છે કે નશાના વ્યાપારીઓના કારણે આજની યુવા પેઢી અંધકાર તરફ ધકેલાઈ રહી છે. પોલીસ તો એનું કામ કરતા કરશે ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકો પ્રત્યે સતર્ક રેહવાની જરૂર છે.