અમદાવાદ : શાહઆલમ વિસ્તારમાં સીએએનાં વિરોધ દરમિયાન થયેલી હિંસાના ગુનામાં ધરપકડ કરાયેલા દાણીલીમડાનાં કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણને સેશન્સ કોર્ટે માત્ર પાંચ કલાકનાં શરતી જામીન આપ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજરી આપવા પુરતા શહેઝાદે જામીન માંગ્યા હતા. જો આ સભામાં તે હાજર ન રહે તો તેનું કોર્પોરેટર પદ પણ ખતરામાં હોઇ કોર્ટ દ્વારા તેના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. કોર્ટે સામાન્ય સભામાં હાજર રહેવા પુરતા પાંચ કલાકનાં જામીન મંજુર કર્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ફરજીયાત હાજરી જરૂરી છે. છેલ્લા બે વખતથી શહેઝાદ જેલમાં હોવાનાં કારણે સભામાં હાજર રહી શક્યો નહોતો. જેના કારણે નિયમાનુસાર જો ત્રણ વખત ગેરહાજર રહે તો તેનું કોર્પોરેટ પદ રદ્દ થવાની શક્યતા હતી. જેથી શહેઝાદે સામાન્ય સભામાં હાજર રહેવા માટે જામીન માંગ્યા હતા. જેને કોર્ટે શરતી જામીન માન્ય રાખ્યા હતા. 29 જાન્યુઆરીની કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહેશે. જેના માટે શહેઝાદને 5 કલાક માટે મુક્ત કરવામાં આવશે. 

ડિસેમ્બરમાં CAAનાં વિરોધમાં હિંસા
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) વિરોધમાં મુસ્લિમ સંગઠનો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. 19મીની સાંજે શાહ આલમ વિસ્તારમાં ટોળુ હિંસા પર ઉતરી આવ્યું હતું. જેમાં અનેક મીડિયા કર્મચારી અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જો કે આ મુદ્દે તપાસ કરતા પોલીસ દ્વારા 80 લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જેમાં શહેઝાદની ગંભીર સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલની હવા ખાઇ રહ્યો છે.