ગૌરવ પટેલ/અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવાના મુદ્દે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. શક્તિસિંહે માંગ કરી છે કે, વડાપ્રધાનનો જે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે તે યથાવત રાખવામાં આવે. પીએમને જે રાજકીય કાર્યક્રમ હતો તેમાં ફેરફાર કરીને રાહત કામગીરી માટે પ્રભાવિત લોકોને જમીન પર ઉતરીને મળે તથા કેન્દ્રીય સહાય વાસ્તવિક રીતે આપે તે વિનંતી શક્તિસિંહે પોતાના પત્રમાં કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદ બાદ પાણી હજુ ઉતર્યા નથી અને લોકો મુશ્કેલીમાં છે. તો બીજીતરફ રાજ્યમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓ ગુરૂવારથી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે. શક્તિસિંહે પોતાના પત્રમાં જણાવ્યું કે, કુદરતી આફત સમયે રાજકીય નેતાઓના પ્રવાસ રદ્દ કરવા જોઈએ પરંતુ સત્તામાં બેઠેલા રાજકીય નેતાઓએ રાહત કામગીરી માટે લોકોની વચ્ચે જવું જોઈએ. આ સાથે શક્તિસિંહે પોતાના પત્રમાં જણાવ્યું કે, કુદરતી પ્રકોપ સમયે કોંગ્રેસ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. 



પત્ર દ્વારા શક્તિસિંહે કરી માંગ
1. પ્રભાવિત વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી, ફૂડ પેકેટ, જરૂરી દવાઓ અને હંગામી આશ્રયસ્થાનો ઉભા કરીને કેશડોલની ચુકવણી શરૂ કરવામાં આવે. 


2. ખેતીની જમીનોના ધોવાણ થયાના કિસ્સામાં મફત બિયારણની જોગવાઇ અને જમીન નવ સાધ્ય કરવા માટે પૈસા આપવામાં આવે. 


3. પૂરગ્રસ્ત લોકોનું પુનઃવસન કરવામાં આવે. 


4. કંટ્રોલ રૂમની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે. 


5. મરેલા પશુઓનો તાત્કાલિક નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. 


6. જે માર્ગ ધોવાઇ ગયા છે તેને વાહન વ્યવહાર યોગ્ય બનાવો. 


આ સાથે શક્તિસિંહના નિવેદન અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારની ટીકા યોગ્ય અને વ્યાજબી નથી. સરકાર તમામ કામો કરી શકાય એટલી રીતે કરી રહી છે. સીએમ સહિતનું મંત્રીમંડળ કામે લાગ્યા છે. વહીવટી તંત્ર સક્રિય છે. રાજ્ય સરકારે અમરેલી અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂરમાં ઉદારતાથી મદદ કરી હતી.