આજે ચંદ્રગ્રહણ પણ ગુજરાતનું એકમાત્ર આ મંદિર ખુલ્લુ રહેશે, રાત્રિ દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકાશે
વર્ષ 2019નું બીજુ ચંદ્ર ગ્રહણ આજે દેખાશે. અષાઢ મહિનાની શુક્લ પક્ષે ચંદ્ર ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે, જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. કહેવામાં આવે છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે
સમીર બલોચ/અરવલ્લી :વર્ષ 2019નું બીજુ ચંદ્ર ગ્રહણ આજે દેખાશે. અષાઢ મહિનાની શુક્લ પક્ષે ચંદ્ર ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે, જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. કહેવામાં આવે છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે. આંશિક કારણ કે આ સ્થિતિમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે ફરે છે, પરંતુ ત્રણ એક ક્રમમાં નથી ફરતા. 16થી 17 જુલાઈની રાત્રે, 1 વાગીને 32 મિનીટથી સવારે 4 વાગીને 31 મિનીટ સુધી ચંદ્રગ્રહણ જોઈ શકાશે. કુલ 2 કલાક અને 59 સેકંડ માટે ચંદ્ર ગ્રહણ રહેશે. આ ગ્રહણ માટે કોઈ સાવચેતી રાખવાની જરૂર નથી. ચંદ્રગ્રહણને લઈને રાજ્યાના અનેક મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આજે ગુરુપૂર્ણિમા અને ચંદ્રગ્રહણ હોવાથી દર્શન અનેક મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પણ ગુજરાતનું એકમાત્ર મંદિર એવું છે જે ચંદ્રગ્રહણ હોવા છતાં ખુલ્લુ રહે છે. આ મંદિર છે શામળાજી...
આજે રાત્રે પણ મંદિર ખુલ્લુ રહેશે
ગુરુપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ચંદ્રગ્રહણ અને ગૃરૂપૂર્ણિમાના પ્રસંગનો ૧૪૯ વર્ષે અનોખો સંયોગ ઘડાઈ રહ્યો છે. ત્યારે આજે ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે. આજે સવારથી જ 'જય શામળિયા'ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ચંદ્રગ્રહણ વખતે ગુજરાતનું એક માત્ર શામળાજી મંદિર ખુલ્લુ રહે છે. આ મંદિર ચંદ્રગ્રહણની રાત્રિએ પણ ખુલ્લુ રહેશે. જેથી લોકો તેના દર્શન કરી શકશે.
બહુચરાજી મંદિરનો સમય પણ બદલાયો
ચંદ્રગ્રહણને પગલે મહેસાણાના બહુચરાજીમાં આરતી અને પાલખીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. માતાજીની સાંજની આરતી 7:30ના બદલે 6:30 કલાકે કરવામાં આવશે. તો પરંપરાગત નીકળતી માતાજીની શાહી સવારીના સમયમાં પણ ફેરફારો કરાયા છે. માતાજીની શાહી પાલખી રાત્રે 9.30ના બદલે 8 કલાકે નિજ મંદિરથી નીકળશે.
દ્વારકાધીશ અને અંબાજી મંદિરમાં પણ ફેરબદલ
તો ભગવાન દ્વારકાધીશના નિત્યક્રમના સમયમાં ફેરફાર કરાવાયા છે જે અંતર્ગત સવારની મંગળા આરતી 6 કલાકે કરવામાં આવી હતી. અંબાજીમાં પણ સવાર અને સાંજની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સવારે 7.30 કલાકે થતી મંગળા સવારે 6.00 કલાકે કરવામાં આવી હતી અને સાંજની 7 વાગ્યાની આરતી બપોરે 3.30 કરવામાં આવશે. તો સાંજના 4.30 કલાકેથી મંદિર બંધ રહેશે. બીજા દિવસે સવારની આરતી 9.00 કલાકે કરવામાં આવશે. રાત્રિના 1.30થી 3.30 સુધી ચંદ્રગ્રહણ રહેવાનું છે.