બનાસડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી યથાવત, ડિરેક્ટરોએ કરી બિનહરિફ વરણી
બનાસકાંઠામાં આવનારી લોકસભાની સીટ માટે ડેરીના ચેરમેનના પદ મહત્વનું ગણાય છે.
પાલનપુરઃ એશિયાની નંબરવન ગણાતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના અઢીવર્ષ માટેની ટર્મ પૂર્ણ થતા આજે બાકીના અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બનાસડેરી સભાખંડમાં યોજાઈ હતી. જોકે ભારે ઉત્તેજના ભર્યા માહોલ વચ્ચે બનાસડેરી ચેરમેન પદે શંકર ચૌધરી તેમજ વાઇસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈની બોર્ડ ઓફ ડિરેક્ટરોએ બિનહરીફ વરણી કરી હતી. બનાસકાંઠામાં આવનારી લોકસભાની સીટ માટે ડેરીના ચેરમેનના પદ મહત્વનું ગણાય છે. જોકે ફરી બિનહરીફ એટલે કે સર્વાનુમતે ચૂંટી લાવવા બદલ ચેરમેને બોર્ડ ઓફ ડિરેક્ટરો અને પશુપાલકોનો આભાર વ્યકત કર્યો હતો.
આ ચૂંટણીમાં 14 ડિરેક્ટરો, 5 સરકારી અને 5 સહકારી પ્રતિનીધીઓ હાજર રહ્યાં હતા. જેમાં શંકર ચૌધરીની ચેરમેન તરીકે અને માવજી દેસાઈની વાઈસ ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરાઈ છે. ત્યારે ફરીથી એજ ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થતાં સમર્થકોમાં ખુશીની લેહર ફેલાઈ છે.