શંકરસિંહ બાપુનો દાવોઃ 23 મે પછી ગગડી જશે રૂપાણી સરકાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ સોમવારે દાવો કર્યો કે, જો કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બને છે તો ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોમાં પણ સરકાર બદલાઈ જશે. વાઘેલાએ દાવો પણ કર્યો કે ભાજપ સત્તામાં ફરી પાછી નહીં આવે
અમદાવાદઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ સોમવારે દાવો કર્યો છે કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોમાં પણ સરકારો બદલાઈ જશે. વાઘેલાએ એવો દાવો પણ કર્યો કે, કેન્દ્રમાં હવે ફરીથી ભાજપની સરકાર બનશે નહીં. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાજપના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનાવાની રાહ જોઈ રહ્યા છે.
આ બાજુ ભાજપે તેમના તમામ દાવાઓને નિરાધાર જણાવ્યા અને કહ્યું કે, તેઓ લાઈમલાઈટમાં રહેવા માટે આવું નિવેદન આપી રહ્યા છે. બાપુએ કહ્યું કે, "ભાજપ કેન્દ્ર અને ગુજરાત બંને જગ્યાએ 23 મેના રોજ સત્તામાંથી હાથ ધોઈ બેસશે. 23મેના રોજ ગુજરાતના અનેક ધારાસભ્યો સરકારને પાડી દેવા માટે રાજીનામું આપી દેશે."
2017 સુધી કોંગ્રેસના રહેનારા વરિષ્ઠ નેતા વાઘેલાએ જણાવ્યું કે, 'મને લાગે છે કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં રહે તો ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોમાં પણ સરકાર બદલાઈ જશે. ગુજરાતમાં અનેક ધારાસભ્યો લાંબા સમયથી દુખી છે. તેઓ બંધુઆ મજૂર જેવો અનુભવ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારની ફરિયાદો પર કોઈ ધ્યાન આપતું નથી. મહારાષ્ટ્રમાં પણ ભાજપના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.'
ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને 182માંથી 99 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસને 77 સીટ મળી હતી. ભાજપ ગુજરાતમાં બે દાયકાથી સત્તામાં છે. રાજ્યમાં 23 મેના રોજ વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજાઈ છે.
બાપુએ ભાજપ પર પ્રહાર કરતા વધુમાં કહ્યું કે," લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ 10 જેટલી સીટ પર વિજય મેળવશે. ભાજપ કોંગ્રેસ-મુક્ત ભારતની વાતો કરતા-કરતા કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. પશ્ચિમ બંગાળમાં શું થશે એ તો ખબર નથી, પરંતુ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પછી ભાજપ સરકાર ગગડી જશે તેનો મને 100 ટકા વિશ્વાસ છે."