રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના `શક્તિ દળ` સંગઠનને પુનર્જીવિત કરશે
શંકરસિંહ વાઘેલાએ એક સમયે પોતાનું `શક્તિ દળ` નામથી સંગઠન બનાવ્યું હતું, પરંતુ ત્યાર પછી તેઓ કોંગ્રેસમાં જોડાઈ જતાં આ સંગઠન અને તેની પ્રવૃત્તિઓ બંધ પડી ગઈ હતી
હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમના જૂના સંગઠન 'શક્તિ દળ'ને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો છે. શક્તિ દળ ગુજરાત પ્રદેશની પ્રથમ બેઠક ગુરૂવારે શંકરસિંહ વાઘેલના નિવાસ સ્થાન વસંદ વગડામાં યોજવામાં આવી હતી. આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ 'શક્તિ દળ'ની સંપૂર્ણ જવાબદારી કિશોર સિંહ સોલંકીને આપવાની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, શંકર સિંહ વાઘેલા હાલ એનસીપીમાં જોડાયેલા છે.
શંકરસિંહ વાઘેલાએ 'શક્તિ દળ'ને પુનર્જીવિત કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે, આ સંગઠન તાલુકા અને જિલ્લા કક્ષાએ ઊભું કરવામાં આવશે. તેના માટેનો એક વિશેષ ડ્રેસ અને પ્રતિજ્ઞા પણ નક્કી કરવામાં આવશે. 'શક્તિ દળ'માં 40 વર્ષથી નાની વયના યુવાનોને પ્રવેશ આપવામાં આવશે. બાપુએ કહ્યું કે, શક્તિ દળ અને એનસીપી સાથે મળીને કામ કરશે.
શંકરસિંહ વાઘેલાએ આ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું કે, "શક્તિ દળમાં તાલુકા દીઠ એક આગેવાનની નિમણૂક કરાશે અને તેના હાથ નીચે સમગ્ર સંગઠન કાર્યરત કરાશે. શક્તિ દળના નેજા હેઠળ બીજું એક 'શિક્ષીત બેરોજગાર સંગઠન' પણ ઉભું કરવામાં આવશે, જેમાં રાજ્યના બેરોજગાર લોકોની રૂ.10 લઈને નોંધણી કરવામાં આવશે અને તેમને રોજગારની તકો ઉપલબ્ધ કરાવાશે. રાજ્યમાં 20-25 લાખ લોકો બેરોજગાર છે. 'શિક્ષીત બેરોજગાર સંગઠન' અંતર્ગત 500 લોકોની ભરતી કરાશે, જે રાજ્યના બેરોજગાર લોકોને રોજગાર પુરો પાડવામાં મદદરૂપ બનશે."