નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધમાં મોરચો ખોલ્યો છે. આ માટે શંકરસિંહ વાઘેલાએ આજે દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદી સરકારે 4.5 વર્ષના કામકાજનો હિસાબ આપવો પડશે. બાપુએ કહ્યું કે, તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વડાપ્રધાન બન્યા ત્યારે અનેક વાયદાઓ કર્યા હતા. તો હવે તેમાંથી કેટલા વાયદાઓ પૂરા કર્યા છે તેનો હિસાબ આપવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકારો સાથે વાત કરતા શંકરસિંહે  ભાજપ સરકાર સિસ્ટમ વગર કામ કરે છે તેવો આરોપ લગાવ્યો હતો. આ સાથે કહ્યું કે, પારદર્શકતાની તો કોઈ વાત જ નથી. 2014માં તેમણે દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી. તેમાંથી કેટલા સિટી સ્માર્ટ બન્યા છે. મોદીએ સિસ્ટમ અને પારદર્શકતા સાથે કામ કરવાની વાત કરી હતી. પરંતુ આ સરકારમાં કોઈ પારદર્શકતા દેખાતી નથી. 


આ સાથે બાપુએ મોદીની મહત્વકાંક્ષી યોજના આયુષ્માન ભારત પર પ્રહારો કર્યા હતા. તેમણે અનેક મુદ્દે સરકારની ટીકા કરી હતી. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા બાપુએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, તેઓ તમામને સાથે લાવવા માટે કામ કરશે. કેન્દ્રની નિષ્ફળતાનો પ્રચાર કરશે. બાપુ છેલ્લા 40 વર્ષથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. હવે તેમણે મોદી સરકાર વિરુદ્ધ પોતાનો મોરચો ખોલ્યો છે.