અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ બે દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજીને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઈન ચાઈના છે. વડાપ્રધાન મોદી લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરે. આ સાથે શંકરસિંહે કહ્યું હતું કે, તમે આ પ્રતિમા બનાવીને કોને ખુશ કરવા માંગો છો. આ સાથે બાપુએ રાજવીનું મ્યુઝિયમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે બને તેવી માંગ કરી હતી. પરંતુ શંકરસિંહની આ ઈચ્છા પૂરી થવાની છે. તે માટે શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંકરસિંહે પીએમ મોદીનો આભાર માનતા ટ્વિટ કર્યું કે, "મારા પત્ર બાદ રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા અંગેની દરખાસ્તનો સ્વીકાર કરવા બદલ પીએમ @narendramodi તમારો ખૂબ ખૂબ આભાર. આ રાજવીઓએ તેમના રજવાડાઓ આપીને અંખડ ભારતના સપનાને વધારે મજબૂત કર્યું હતું. મને આશા છે કે તમે રાજવીઓને અને તેમના પરિવારના સભ્યોને દિલ્હી બોલાવીને તેમનું સન્માન કરશો."



મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલાએ 24મી ઓક્ટોબરે પીએમ મોદીને પત્ર લખીને અખંડ ભારત માટે પોતાના રજવાડા આપી દેનારા રાજવી પરિવારોનું સન્માન કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે તેમની યાદમાં કોઈ સ્મારક બનાવવાની માંગ કરી હત. 


તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજા-રજવાડાઓએ જે ત્યાગ કર્યો હતો. તો મારી ઈચ્છા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રજવાડા છોડનાર રાજાઓનું એક વર્ચ્યુઅલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવે. પીએમે કહ્યું કે, અમે તેમના બલિદાનને ભૂલવા માંગતા નથી. જેમણે પોતાનું બધું છોડીને દેશને અર્પણ કરી દીધું હતું.