શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે કે નહીં, જાણો ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ શું આપ્યું નિવેદન?
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં સામેલ થવા દારૂબંધી મુદ્દે જે શરત મૂકી છે તે સંદર્ભે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં આવવું હોય તો તે આવી શકે છે, વાતચીત તો ચાલે છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આજે આણંદના બોરસદમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજનીતિમાં સક્રિય થયા છે. ગઈકાલે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં હાલ ચાલી રહેલી સ્થિતિ વિશે વાતચીત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા, પરંતુ તેમણે એક શરત મૂકી હતી કે જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાવનું વચન આપે તો કોંગ્રેસમાં જોડાશે.
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં સામેલ થવા દારૂબંધી મુદ્દે જે શરત મૂકી છે તે સંદર્ભે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં આવવું હોય તો તે આવી શકે છે, વાતચીત તો ચાલે છે. પરંતુ કોંગ્રેસમાં ક્યારેય કોઈની શરતી એન્ટ્રી મળતી નથી. કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે, તેઓ કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો આવી શકે છે, પણ દારૂબંધી અંગે કોઈ શરતે અમારી વિચારધારા સાથે બાંધછોડ નહિ કરીએ. કોઈપણ કન્ડિશન વગર તેઓ આવી શકે છે.
ભરતસિંહ સોલંકીના કોંગ્રેસમાં પુનઃ સક્રિય થવા અંગે રઘુ શર્માએ જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસના સિનિયર લીડર રહ્યા છે, નિષ્ક્રિય થવાનો નિર્ણય તેમનો પોતાનો હતો. તેઓ પુનઃ સક્રિય થશે તો અમને ગમશે અને તેઓ આવકાર્ય છે.
મહારાષ્ટ્ર રાજ્યપાલ ટિપ્પણી મામલે નિવેદન
મહારાષ્ટ્ર રાજ્યપાલની ટિપ્પણી મામલે રઘુ શર્માએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બંધારણીય હોદ્દા પર હોય એમને આવા નિવેદનોથી દુર રહેવું જોઈએ. દેશના તમામ નાગરિકોને દેશના કોઈપણ ખૂણે રહેવા અને નાણાં કમાવવાનો હક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube