આજે શ્રાવણિયો સોમવાર અને સોમવતી અમાસ, અનેક વર્ષે થાય છે આવો સંયોગ...
બમ બમ બોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. ગયા વર્ષે કોરોનાના કારણે ભક્તોને શિવ દર્શનનો લ્હાવો નહોતો મળ્યો. જો કે, આ વર્ષે નિયંત્રણો સાથે ભક્તોને દર્શન કરવાની છૂટ મળી હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ મહાદેવના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે. સાથે જ આજે સોમવતી અમાસ પણ છે. હજારો વર્ષો બાદ આવો સંયોગ સર્જાય છે અને એટલે જ આજનો સોમવાર ખાસ છે. આજના દિવસે મહાદેવના દર્શન કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ, પવિત્ર સોમવતી અમાસ અને સોમવાર એક સાથે આવતા શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ છે.
આજે કરો શિવમુષ્ટિ પૂજા:
આજના પવિત્ર દિવસે ભગવાન ભોલાનાથને શિવમુષ્ટિ પૂજાનું ખૂબ જ મહત્વ છે. જળ, દૂધ અને દહીંની સાથે એક મુઠી ધાન આજે ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. આજના દિવસે તીર્થ સ્નાન કરવાનો ખૂબ જ મહિમા છે. આજના પુણ્યકારી દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે ભક્તો હાઆરતી,જળાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષેક પણ કરી રહ્યા છે.
આ વર્ષનો અનોખો શ્રાવણ:
આ વર્ષનો શ્રાવણ મહિનો ખાસ રહ્યો. કારણ કે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હતા. એક દાયકા બાદ આવો યોગ આવ્યો...જેથી શિવભક્તોને ભગવાન શિવજીની પૂજા અર્ચના માટે પાંચ સોમવારનો લાભ મળ્યો. બમ બમ બોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. ગયા વર્ષે કોરોનાના કારણે ભક્તોને શિવ દર્શનનો લ્હાવો નહોતો મળ્યો. જો કે, આ વર્ષે નિયંત્રણો સાથે ભક્તોને દર્શન કરવાની છૂટ મળી હતી. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા.
સોમવતી અમાસની પૂજા:
સોમવતી અમાસના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા-કરતા શિવલિંગ ઉપર શેરડીના રસનો અભિષેક કરવામાં આવે તો પિતૃદોષ દૂર થાય છે. જ્યારે પીપળાની ત્રણ વખત પ્રદક્ષિણા કરવી અને જળ ચઢાવવાથી તથા અક્ષત-ચોખાથી પૂજા કરવાથી બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની કપા શ્રદ્ધાળુને પ્રાપ્ત થાય છે અને શાપિત દોષ હોય તો તે પણ દૂર થઇ જાય છે.