Pabubha Manek Angry On Officers: ગુજરાત ભાજપમાં દિનપ્રતિદિન સ્થિતિ વધુને વધુ વિકટ બનતી જાય છે. ખાસ કરીને હવે ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનમાં ખુલીને પોતાની રજૂઆતો કરી રહ્યાં છે. એટલું જ નહીં તેમના કામો ના થાય ત્યારે તેઓ હવે ખુલીને સામે આવીને વિરોધ પણ નોંધાવતા થયા છે. ભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ પણ આ વિવાદનું નિમિત બન્યો. જીહાં, અહીંના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘણાં સમયથી બંધ છે. ત્યારે આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અધિકારીઓ પર બગડ્યા હતાં. ધારાસભ્ય અગાઉ આ મામલે ઉપરના લેવલે રજૂઆતો કરી કરીને થાકી ગયા છે. જોકે, હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. તેથી તેમનો વિરોધ પણ ઉગ્ર બન્યો છે. સમગ્ર મામલે પબુભાએ અધિકારીઓને ધમકી આપતાં કહ્યું કે, '20 દિવસની અંદર નિયમ બનાવો નહીંતર મંજૂરી વગર જ શિવરાજપુર બીચમાં એક્ટિવિટી ચાલું કરી દઈશું. પછી જેને જે કરવું હોય એ કરી લે અને મુખ્યમંત્રીને પણ રિપોર્ટ કરી દેજો કે ધારાસભ્ય આવું કહેતા હતાં'


પબુભા માણેકે કહ્યું મુખ્યમંત્રીને રિપોર્ટ કરી દેજોઃ
ધારાસભ્યે અધિકારીઓને ધમકાવતા કહ્યું કે, '20 દિવસ સુધી સરકાર દ્વારા અમને જે કરવાનું કહેશે તે અમે કરીશું, પરંતુ 20 તારીખ સુઘીમાં તમે નિયમ બનાવી દેજો. નહીંતર હું શિવરાજપુરના બીચમાં મંજૂરી વિના પ્રવૃત્તિ ચાલુ કરી દઈશ. પછી તમે પોલીસનો કાફલો મોકલો કે, જે મોકલો... હું 42 ગામને અહીં ભેગા કરીને મુકી દઈશ. પછી જેને જે કરવું હોય તે કરી લે. મારો રિપોર્ટ પણ કરી દેજો મુખ્યમંત્રીને કે ધારાસભ્ય આવું કહેતા હતાં. આ કોઈ રીતે થોડી છે તમારા લોકોની.'           


શું હતો સમગ્ર મામલો? 
ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ વરસી રહ્યો હતો. જેના કારણે સુરક્ષાના ધોરણોને ધ્યાને લઈ તંત્ર દ્વારા ગુજરાતના અનેક બીચને બંધ કરવામાં આવ્યા હતાં. જે હેઠળ દ્વારકાના શિવરાજપુર બીચ પર થતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ બંધ કરવામાં આવી હતી. જોકે, તેને ફરી શરૂ કરાવવાને લઈને ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. જેમાં પબુભા માણેકે અધિકારીઓનો ઉધડો લીધો હતો. પબુભા માણેસે ગુસ્સાના સ્વરમાં અધિકારીઓને કહ્યું કે, '20 દિવસની અંદર નિયમ બનાવો નહીંતર આંદોલન કરવામાં આવશે. જો 20 દિવસની અંદર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈને નિયમ નહીં બને તો મંજૂરી વિના જ પ્રવૃત્તિઓ ચાલુ કરી દઈશું.' 


ધારાસભ્ય પ્રદ્યુમનસિંહને પણ વ્યક્ત કરી હતી નારાજગીઃ
ઉલ્લેખનીય છેકે, કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ થોડા સમય પહેલાં રાજ્યપાલની કરી હતી રજૂઆત. પ્રદ્યુમનસિંહે એવી રજૂઆત કરી હતીકે, હું ચૂંટાયેલો ધારાસભ્ય છું પણ મારી રજૂઆત કોઈ સાંભળતું નથી. મારા વિસ્તારના લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું મારું કામ છે. પરંતુ મારી વાત કે રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. જેને કારણે મારા વિસ્તારના લોકોની હાલાકીમાં વધારો થયો છે.