જયેન્દ્ર ભોઈ, હાલોલ : લોકડાઉન એવો સમયગાળો છે જેમાં માણસના મૂળ સ્વભાવની પરખ થઈ જાય છે. આ સ્થિતિમાં ઘણીવાર વ્યક્તિનો મૂળ સ્વભાવ સામે આવી જાય છે જે જોઈને અરેરાટી વ્યાપી જાય છે. આવો જ એક કિસ્સો બન્યો પંચમહાલના  જિલ્લાના હાલોલમાં. ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત થતા જ અહીં એક 80 વર્ષની વૃદ્ધાના દીકરી અને જમાઈ તેમને ઘરમાં પુરીને જતા રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની વિગતો જોઈએ તો હાલોલના દેસાઇ ફળીયામાં રહેતા 80 વર્ષના વૃદ્ધાને ઘરમાં પુરીને દીકરી-જમાઈ નાસ્તો અને પાણીનો જગ મુકીને 15 દિવસથી ક્યાંક ચાલ્યા ગયા હતા. જો કે, આ અંગેની જાણ તેમની ખંભાત રહેતી બીજી દીકરીને થતાં તેણે 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. અભયમ 181 મહિલા હેલ્પલાઇનને સમગ્ર ઘટના અંગેની જાણ તે ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસની મદદ લઈને ઘરનું તાળું તોડ્યું હતું. હેલ્પલાઇન દ્વારા દીકરી અને જમાઈનો સંપર્ક કરવામાં આવતા તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. 


ઘરની બહાર આવેલા વૃદ્ધાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેઓ છેલ્લા 15 દિવસથી ઘરમાં હતા અને તેમના દીકરી અને જમાઇએ નાસ્તો તથા પાણીની વ્યવસ્થા કરી રાખી હતી તેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. હાલ આ વૃદ્ધાને કંકણપુર વૃદ્ધાશ્રમમાં રાખવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.     


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube