કોંગ્રેસ મુક્ત ગુજરાત ; 22 જિલ્લામાં સફાયો, કોંગ્રેસની દશા જોતા વજુભાઈએ કહ્યું-પાર્ટીનું વિસર્જન કરો
Gujarat Chutani Parinam 2022 : હવે કોંગ્રેસનું કરી નાંખવું જોઈએ વિસર્જન.... ભાજપના નેતા વજુભાઇ વાળાના પ્રહાર.... પાટીલના સતત પ્રયાસોથી ભાજપને ઐતિહાસિક જીત મળ્યાનું પણ કહ્યું....
Gujarat Assembly Election Results 2022 ગૌરવ દવે/રાજકોટ : ગુજરાતમાં રેકોર્ડ બ્રેક બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત થઈ છે. 182 બેઠકમાંથી 156 સીટ પર ભાજપની ભવ્ય જીત થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકમાં જ સમેટાઈ ગઈ છે. તો આમ આદમી પાર્ટીએ 5 બેઠક સાથે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. 182માંથી 3 બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત નોંધાઈ છે. ત્યારે ગુજરાત હવે ધીરે ધીરે કોંગ્રેસ મુક્ત બની રહ્યુ છે તેવુ લાગે છે. રાજ્યના 33 જિલ્લામાંથી 22 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. રાજ્યના 13 જિલ્લાઓમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યના 13 જિલ્લાઓમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે કોંગ્રેસની દશા જોતા વજુભાઈ વાળાએ કહ્યું કે, ગાંધીજીની કોંગ્રેસને હવે વીંખી નાંખવી જોઈએ. હવે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ.
કદાવર નેતાઓ હાર્યા
60થી વધુ બેઠકોનાં નુકસાન સાથે કોંગ્રેસના કદાવર નેતાઓ પોતાની બેઠક પણ નથી બચાવી શક્યા. એક રીતે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. પોતાની બેઠકો પર હારનો સામનો કરનારા કોંગ્રેસના દિગ્ગજો પર નજર કરીએ તો તેમાં અમરેલીથી પરેશ ધાનાણી, ધોરાજીથી લલિત વસોયા, ટંકારાથી લલિત કગથરા, વીરમગામથી લાખા ભરવાડ, થરાદથી ગુલાબસિંહ રાજપૂત, દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ, રાજુલાથી અમરીશ ડેર, પ્રતાપ દૂધાત અને ઉનાથી પૂંજા વંશનો સમાવેશ થાય છે. અમદાવાદની ઘાટલોડીયા, સાબરમત્તી અને નારણપુરા બેઠક પર તો કોંગ્રેસના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. પરિણામની વાત કરીએ તો, કોંગ્રેસમાંથી 34 ઉમેદવાર ડિપોઝીટ બચાવવામાં અસમર્થ રહ્યાં છે.
વજુભાઈ વાળાનું નિવેદન
ભાજપની ભવ્ય જીત પર વજુભાઈ વાળાએ ખુશી વ્યક્ત કરી છે. ત્યારે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીની કોંગ્રેસ હવે એ કોંગ્રેસ રહી નથી. ગાંધીજીની કોંગ્રેસને હવે વીંખી નાંખવી જોઈએ. હવે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. તો સાથે જ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સીઆર પાટીલના ભરપેટ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, પાટીલનું પેજ કમિટી અને પ્રમુખોનું માળખું સફળ રહ્યું. સીઆર પાટીલ ફોલોઅપ લેતા રહ્યા તેને કારણે સફળતા મળી. પાટીલના સતત પ્રયાસોને કારણે ઐતિહાસિક જીત મળી છે. હું શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહીશ.
કોંગ્રેસની હારના કારણો, AAP એ વોટ તોડ્યા
કોંગ્રેસને મતદારોએ આપેલા જાકારા પાછળ ઘણા કારણો જવાબદાર છે. કોંગ્રેસ સત્તાવિરોધી મુદ્દા કારગત રીતે ઉઠાવી ન શકી. સત્તા વિરોધી મુદ્દા ઊભા થયા ત્યારે કોંગ્રેસે માત્ર પ્રેસ વાર્તાઓ કરી. કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા વગર જ ચૂંટણી લડી. કોંગ્રેસે OBC મુખ્યમંત્રીનું કાર્ડ ખેલ્યું પણ લોકોએ ન સ્વીકાર્યું. કોંગ્રેસે ડોર ટૂ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો કરી, પણ માહોલ ન બનાવી શકી. આ ઉપરાંત AAPની એન્ટ્રીએ કોંગ્રેસના લાખો વોટ તોડ્યા. AAP ને રોકવા કોંગ્રેસ ચોક્કસ રણનીતિ ન બનાવી શકી. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગુજરાતથી દૂર રહેતા લોકોમાં વિપરીત સંકેત ગયા. આ ઉપરાંત કોંગ્રેસનું નબળું સંગઠન હાર માટે સૌથી મોટું પરિબળ છે.
ખડગેએ હારની જવાબદારી સ્વીકારી
ભાજપની ભવ્ય જીતના કોંગ્રેસ અધ્યક્ષે મલ્લિકાર્જુન ખડગેએ અભિનંદન આપ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, અમે ગુજરાતમાં હારની જવાબદારી સ્વીકારીએ છીએ. અમે લડતા રહીશું, લોકશાહીમાં હાર-જીત થતી રહે છે. અમે અમારા પ્રદર્શનને સુધારવાનો પ્રયાસ કરીશું.
ઝોન પ્રમાણે કોને કેટલી બેઠક?
પરિણામ પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠક માટેથી ભાજપને 22, કોંગ્રેસને 8 અને અપક્ષને 2 બેઠક મળી છે...તો મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી ભાજપને 55, કોંગ્રેસને 5 અને અપક્ષને એક બેઠક મળી છે..જ્યારે કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકમાંથી ભાજપને 46 કોંગ્રેસને 3, આમ આદમી પાર્ટીને 4 અને અન્યને એક બેઠક મળી છે..તો દક્ષિણ ગુજરાતની 35 બેઠકમાંથી ભાજપને 33, કોંગ્રેસને 1, આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી છે.