સમીર બલોચ/અરવલ્લી :ગુજરાતના પ્રસિદ્ધ શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શામળાજી મંદિર (shamlaji temple) માં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા મુસાફરોને મંદિરમાં પ્રવેશ નહિ મળે. ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે સ્ત્રી અને પુરુષો બંનેને લાગુ પડશે. આ માટે મંદિરના બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શામળાજી મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલ બોર્ડ પર સૂચના લખાઈ છે કે, દર્શને આવતા ભાઈઓ તથા બહેનોનો વિનંતી કે, ટૂંકા વસ્ત્રો તથા બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવુ નહિ. તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે. જોકે, સાથે જ ટ્રસ્ટે કહ્યું કે, ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે.  



શામળાજી એ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં વર્ષ દરમિયાન હજારો યાત્રિકો ભગવાન શામળિયાના દર્શને આવે છે. ત્યારે કેટલાક યાત્રિકો ટૂંકા વસ્ત્રો પહેરી આવતા હોવાની વાત ટ્રસ્ટના ધ્યાને આવી હતી. તેથી ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિશે શામળાજી મંદિર ટ્રસ્ટના વાઈસ ચેરમેન રણવીરસિંહ ડાભીએ જણાવ્યું કે, ટ્રસ્ટ દ્વારા હવેથી ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ નહિ આપવાનો નિર્ણય કરાયો છે. યાત્રિકને મંદિરમાં દર્શન કરવા હશે તો મંદિર ટ્રસ્ટની ઓફિસમાંથી પિતાંબર લઈ અને તેને લપેટ્યા બાદ જ મંદિરમાં ભગવાનના દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને યાત્રિકોએ પણ આવકાર્યો છે.