ઝી બ્યુરો/ગાંધીનગર: ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્રો ગુંજવી સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે તેવુ ચિત્ર ઉભુ કરી રહી છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ક્યાં ભણવું એ સવાલ ઉભો થયો છે. ખુદ શિક્ષણ વિભાગે જ વિધાનસભામાં એકરાર કર્યો છે કે, ગુજરાતમાં હજુ પણ 9 હજાર 153 ઓરડાની ઘટ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત?
ગુજરાતની પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને ગુજરાતની પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ અંગે સવાલ કર્યો હતો. જેમાં સરકારે પ્રાથમિક શાળામાં 9 હજારથી વધુ ઓરડાની ઘટ હોવાનું સ્વીકાર્યું છે. ઓરડાની ઘટના લીધે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. ત્યારે સવાલ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? 


ગુજરાતના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ
ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથળેલી હાલતમાં છે જ તેવામાં હવે ઓરડાની ઘટ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ ઓરડા નવા બનાવ્યા છે. પરંતુ હજુ પણ 9 હજાર 153 ઓરડાની ઘટ છે. તો ગુજરાતના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે.


387 શિક્ષકોની ઘટ હોવાનું શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું
ગીર સોમનાથ જિલ્લામાં 68 શિક્ષકની ઘટ, અમરેલી જિલ્લામાં 384 શિક્ષકોની ઘટ, રાજકોટ જિલ્લામાં 725 શિક્ષકોની ઘટ, નવસારી જિલ્લામાં 324 શિક્ષકોની ઘટ, નર્મદા જિલ્લામાં 333 શિક્ષકો અને વલસાડ જિલ્લામાં 387 શિક્ષકોની ઘટ હોવાનું શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું છે.


ફી ચૂકવી બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જાણે શિક્ષણ તંત્ર ખાડે ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. પ્રાથમિક શાળાઓમાં ઓરડા સહિતની માળખાકીય સુવિધા જ નથી. સરકારને પણ સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં રસ રહ્યો નથી. આ પરિસ્થિતીને કારણે ખાનગી શાળાઓને ફાવતુ ફાવ્યુ છે. વાલીઓને નાછૂટકે વધુ ફી ચૂકવી બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યા છે.