શ્રાવણનો બીજો સોમવાર : સોમનાથ તીર્થમાં માનવ મહેરામણ છલકાયું, 5 વાગ્યાથી ભક્તો દર્શન માટે લાઈનમાં
Shravan 2022 : પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ... સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર સહિત બારેય જ્યોતિર્લિંગનાં ઝી 24 કલાક પર કરો ઘરે બેઠાં દર્શન...
અમદાવાદ :આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે. સોમવારના દિવસે શિવભક્તો શિવજીની વિશેષ પૂજા અર્ચના કરે છે. ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. રાજ્યભરના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ZEE 24 કલાક ઘરે બેઠા તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શને સવારથી જ લાંબી લાઈન લાગી છે.
શ્રાવણના બીજા સોમવારે સોમનાથના સાનિધ્યમાં ભકતો ઉમટી પડ્યા છે. કોરોના મહામારીમાં 2 વર્ષ બાદ પ્રથમ વખત સોમનાથ તીર્થમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ છલકાયું છે. મંદિર સવારના 5 વાગ્યાથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું છે. મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ તીર્થ હરહર ભોલે, ઓમ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઊઠ્યું છે.
તો બીજી તરફ, વડોદરાના શ્રાવણના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યાં છે. ભીમનાથ મહાદેવ મંદિર એ નવનાથ મહાદેવ મંદિર પૈકીમાંથી એક મંદિર છે. જ્યાં ભગવાન ભોલેનાથને દૂધ, જળથી અભિષેક કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે. ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા બીલીપત્ર પણ અર્પણ કરી રહ્યા છે. હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે.