નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરથી 24 કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે. રાજવી પરિવારની ધજારોહણ બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યાં છે. આજના ખાસ દિવસે લોકો નિષ્કલંક મહાદેવના દર્શન પૂજન કરે છે. એવી માન્યતા છે કે, આજના દિવસે પાંડવો સમુદ્રીસ્નાન કરીને નિષ્કલંક બન્યા હતા. તેમજ પોતાના પિતૃના મોક્ષ માટે પિતૃતર્પણ કર્યું હતું. તેથી આ જગ્યાનું મહત્વ ખાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ભાદરવી અમાસ.... એટલે કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ. આજના દિવસે ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુ ઉમટી પડતા હોય છે. કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ છે. આ સ્થળનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. 



નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ જોઈએ તો, પાંડવો મહાભારતના યુદ્ધ બાદ પોતાના કલંકને ધોવા ભગવાન શ્રીકૃષ્ણએ તેમને જ્ઞાન આપ્યું હતું. શ્રીકૃષ્ણના કહ્યા મુજબ પાંડવો પોતાના પાપ ધોવા માટે કાળી ધજા લઈને નીકળી પડ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણએ તેમને કહ્યું હતું કે, જે જગ્યાએ આ ધજા સફેદ બની જશે ત્યાં તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો. અહીં તમારા તમામ પાપ દૂર થઇ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો. આથી ભાવનગરની આ જગ્યા પર આવતા જ કાળી ધજા સફેદ થઈ હતી. તેના બાદ પાંચેય પાંડવોએ એક પછી એક એમ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. 



મંદિરના પૂજારી અરવિંદગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ દરિયાનું પાણી એક કિમી જેટલુ આગળ વધી જવાથી મંદિર હવે દરિયામાં આવી ગયું છે. દરિયાની ભરતીના પાણી ઉતર્યા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે. દરિયામાં ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે. આખો સ્તંભ પાણીમાં ગરકાવ થઇ જાય છે. 



આજે ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે ભાવનગરના રાજવી પરિવારની સૌ પ્રથમ ધજા ચડે છે. હાલ રાજવી પરિવાર વતી સરવૈયા પરિવાર ધજા સાથે કોળીયાક નિષ્કલંક મહાદેવ ખાતે પહોંચ્યો હતો અને ધજાના પૂજન અર્ચન બાદ ધ્વજારોહણની વિધિ પરિપૂર્ણ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ દર્શને આવેલા લાખો શ્રદ્ધાળુઓ પૂજા કરે છે. તેઓ સમુદ્રી સ્નાન બાદ મહાદેવને જળ ચઢાવે છે. લોકો મહાદેવના ચરણોમાં શિશ નમાવે છે. આજે અનેક લોકો પિતૃ મોક્ષાર્થે પિતૃતર્પણ કરે છે. કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.