શ્રાવણ નહીં ભાદરવે પૂજાતા મહાદેવ : ભક્તોમાં અનેરી આસ્થા, રવિવારે મેળો
શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં ભક્તોની લાઇનો લાગતી હોય છે. શ્રાવણમાં લોકો ભગવાન શિવની ભક્તિ કરતા હોય છે. પરંતુ ગુજરાતમાં એક અનોખુ શિવ મંદિર આવેલું છે, જ્યાં ભાદરવા મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા થાય છે. ઉમેદપુરમાં આવેલા ખંડુજી મહાદેવના મંદિરે રવિવારે ભવ્ય મેળો યોજાશે.
અમદાવાદઃ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોનું આસ્થાનું પ્રતિક એટલે ઉમેદપુર દધાલિયા ખાતે બિરાજમાન સ્વયંભૂ ભગવાન શ્રી ખંડુજી મહાદેવ. કહેવાય છે કે જ્યારે ભક્તો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે ભગવાન ખંડુજી મહાદેવની માનતા માનવામાં આવે છે જેથી તેમના પર આવેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ માનતા પૂર્ણ કરવા ભક્તો દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઉમેદપુર દધાલિયા ખાતે ખંડુજી મહાદેવ મંદિર ખાતે ઉમટી પડતાં હોય છે. સદીઓથી અહી મોટો લોક મેળો યોજાઇ છે ત્યારે આ વર્ષે પણ ભાદરવા મહિનાના બીજા રવિવારે એટલે કે આવતા રવિવારે ભવ્ય મેળો ભરાશે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.
દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તેમાં પણ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ હજારો લોકો વહેલી સવારથી ભગવાન શ્રી ખંડુજી મહાદેવનાં દર્શન માટે પહોચતા હોય છે અને સમગ્ર દિવસ દરમિયાન મેળાની મજા માણતા હોય છે. આ વર્ષે 24 સપ્ટેમ્બરના રોજ યોજાનાર શ્રી ખંડુજી મહાદેવનાં મેળાને લઈ ઉમેદપુર ગામના લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને વધુ ભક્તો આવવાની શક્યતાઓને ધ્યાને લઈ વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે. આવનારા ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ઉમેદપુર ગામના લોકો દ્વારા ચા પાણી સહિત નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ મેળામાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કલાકારો દ્વારા અલગ અલગ પ્રકારના ભજન અને દેશી ગીતોની રમઝટ બોલાવવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહીની તસવીરો
શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવ મંદિર એટલે પશુપાલકો માટે આસ્થાનું કેન્દ્ર
ખેડૂતો અને પશુપાલકોમાં આ મેળાનું વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે જે કોઈ પશુપાલકના પશુ દૂધ આપવામાં ઉણું ઉતરતું લાગે અથવા તો કોઈ અન્ય પ્રકારની દુધાળા પશુઓ અંગેની સમસ્યા ઉદભવે ત્યારે પશુપાલકો શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવની બાધા માનતા રાખતા હોય છે. જો પશુ સારું થઇ જાય તો ખંડુજી મહાદેવ મંદિરે મેળા દરમ્યાન પશુના પ્રથમ બનેલા ઘીમાંથી બનેલી સુખડી ખંડુજી મહાદેવને ધરાવે છે અને તે માનતા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉમેદપુર ગામે આ મેળામાં તેઓ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા ઉમટી પડે છે.
સાથે સાથે જ અહીં એવી પણ પરમ્પરા છે, કે જે પરિવારને આ મંદિરની બાધા હોય તે ઘરનો મુખ્ય વ્યક્તિ વહેલી સવારે ચાલતા આવે અને આ મંદિરે આવીને દાતણ કરે. આ પ્રકારે ખંડુજી મહાદેવ મંદિરે ભરાતા લોકમેળાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યનું આ એક માત્ર મહાદેવ મંદિર છે. જ્યાં શિવજીની શ્રાવણની સાથે ભાદરવામાં પણ વિશેષ પૂજા થાય છે અને તેને લઈ ભાદરવામાં પણ ખંડુજી મહાદેવની પૂજા માટે ભક્તોની લાંબી લાઈનો લાગતી હોય છે લોકોની માન્યતા છે કે ખંડુજી મહાદેવ સામે શિષ નમાવી માનતા માનવામાં આવે તો ભગવાન ખંડુજી મહાદેવ પૂર્ણ કરે છે એટલું જ નહિ મનુષ્યની સાથે પશુઓની સુખાકારી પણ જળવાય રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube