અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી દ્વારા કરાયેલી વધુ એક જાહેરાતના અમલીકરણમાં વિલંબ થયો છે. "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની વાત માત્ર જાહેરાત બની રહી છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણી દ્વારા 17 માર્ચે "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી જિતુ વાઘાણી દ્વારા કરાઈ હતી. પ્રથમ તબક્કે "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત માત્ર સાબિત થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈક્ષણિક વર્ષ 2022 - 23 થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાની વાત માત્ર જાહેરાત બની રહી છે. પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે તેવી જાહેરાત બાદ પુસ્તકમાં ક્યાંય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરાયો નથી. ધોરણ 6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન - પાઠન વગેરે સ્વરૂપે આપવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી. 


મહારાષ્ટ્ર બાદ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર: કોંગ્રેસના ધારાસભ્યોમાં આશ્ચર્ય


અગાઉ ધોરણ 9 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન - પાઠન સ્વરૂપે આપવાની જાહેરાત કરાઈ હતી. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વક્તૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવાની જાહેરાત પણ ભુલાઈ ગઈ છે. 


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનાં મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું કે, ધોરણ 6 નાં પુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ક્યાંય ઉલ્લેખ નથી, અભ્યાસક્રમમાં કોઈ ઉમેરો કરાયો નથી, અલગથી પણ કોઈ પુસ્તક વિશે કોઈ માહિતી અપાઈ નથી. શિક્ષણ વિભાગે નવા સત્રથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસમાં જોડાવાની જાહેરાત કરી હતી, પણ એની કોઈ માહિતી પણ અપાઈ નથી.


અદભૂત, આ છે અમદાવાદની રથયાત્રાની અજબ-ગજબ વાતો: રથના રંગરોગાન વિશે શું છે મહત્વ?


આ સંદર્ભે નિયામક એચ.એન ચાવડાનો ઝી 24 કલાકે સતત સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડવાની કે કોઈ માહિતી આપવાની તસ્દી સુદ્ધા લીધી નહોતી.


આ સત્ર હવે શરૂ થઈ ગયું છે, શક્ય છે કે સત્રના બીજા ભાગમાં કદાચ કોઈ પુસ્તક સાથે સરકાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ અભ્યાસમાં કરે. જો કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ અભ્યાસમાં કરવો હોય તો શિક્ષકોને જાણ કરવી પડે, ટ્રેનિંગ આપવી પડે, હજુ સુધી આવી કોઈ યોજના અંગે પણ માહિતી નથી. 


હાલ જે પરિસ્થિતિ છે, એ મુજબ આ સત્રથી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ ચાલુ શૈક્ષણિક સત્રથી થાય એવું મુશ્કેલ લાગે છે, આવતા વર્ષે કદાચ શિક્ષણ વિભાગ કોઈ અભ્યાસમાં કોઈ બદલાવ કરે તો નવાઈ નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube