ગુજરાત યુનિ. નાં વિદ્યાર્થીઓ દ્વારા લદાખની સિંધુ નદીનું સફાઈ અભિયાન હાથ ધરાયું, અઢી ટન કચરો કર્યો એકઠો
સિંધુ નદીની સફાઈ કરતા અંદાજે અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢવામાં આવ્યો. લદાખમાં ફરવા જતા પ્રવાસીઓ દ્વારા દાખવવામાં આવતી કેટલીક બેદરકારીને કારણે લદાખમાં પ્રદૂષણ ફેલાય રહ્યું છે ત્યારે લદાખ પ્રવાસે જતાં પ્રવાસીઓને પ્રદૂષણનાં ફેલાવવા અંગે સંદેશો આપવાનો પ્રયાસ કરાયો હતો.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી તેમજ લદાખ યુનિવર્સિટી વચ્ચે સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત MoU કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીનાં 20 વિદ્યાર્થીઓનું ડેલિગેશન લદાખ યુનિવર્સિટી ખાતે પહોંચ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસર દ્વારા સ્વચ્છતાનો સંદેશો પાઠવવા એક વિશેષ પ્રયાસ કરાયો. જેના ભાગરૂપે લદાખમાં વહેતી સિંધુ નદીના ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
સિંધુ નદીની સફાઈ કરતા અંદાજે અઢી ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢવામાં આવ્યો. લદાખમાં ફરવા જતા પ્રવાસીઓ દ્વારા દાખવવામાં આવતી કેટલીક બેદરકારીને કારણે લદાખમાં પ્રદૂષણ ફેલાય રહ્યું છે ત્યારે લદાખ પ્રવાસે જતાં પ્રવાસીઓને પ્રદૂષણનાં ફેલાવવા અંગે સંદેશો આપવાનો પ્રયાસ કરાયો હતો. વિશ્વભરમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે એવામાં લદાખ પણ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે.
હિમાલયની પર્વતમાળાઓમાં ગ્લેશિયર પીગળી રહ્યો છે અને આવી જ સ્થિતિ લદાખની પહાળીઓમાં જોવા મળી રહી છે. ગ્લેશિયરમાંથી મળતા પાણી પર લદાખની ખેતી તેમજ જનજીવન ટકેલું છે પરંતુ વધતાં પ્રદૂષણને કારણે ગ્લેશિયર પીગળતા લદાખના ભવિષ્ય સામે ખતરો મંડરાઇ રહ્યો છે. સ્થાનિકો દ્વારા થતા પ્રયાસોમાં લદાખમાં જતા પ્રવાસીઓ પણ પોતાની જવાબદારી સમજે એ ખૂબ જરૂરી છે, એટલે જ ગુજરાત યુનિવર્સિટીનાં ડેલિગેશન દ્વારા સિંધુ નદીની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીનાં ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબિલિટીનાં ડાયરેકટર સુધાંશુ જહાંગીરએ જણાવ્યું હતું કે, IISના વિદ્યાર્થીઓ કે જેઓ લદાખ આવ્યા છે, તેમના દ્વારા સિંધુ નદીની સફાઈ કરાઈ જેમાં અંદાજે અઢી ટન પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો છે. લદાખમાં સ્થાનિકોએ આપણા વિદ્યાર્થીઓના કામની પ્રશંસા કરી હતી. સ્થાનિકોએ ખુદ જ કહ્યું કે આવી રીતે સિંધુ નદીની સફાઈ ક્યારેય કોઈએ કરી નહતી. નદી પાસે કેન્ટીન ચલાવતા સ્થાનિક વેપારીએ ગુજરાત યુનિવર્સિટીનાં આ કાર્યને જોઈને ખુશ થઈને તમામને ચા પીવડાવીને આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી લદાખમાં પીગળી રહેલા ગેલીશિયરને કારણે ઊંચાઈ પર વસવાટ કરતા બે ગામના રહેવાસીઓએ સ્થળાંતર કરવાની પરિસ્થિતિઓ પેદા થઈ છે. લદાખમાં પ્રવાસ માટે આવતા પ્રવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાયા બાદ ફેંકવામાં આવતી પ્લાસ્ટિક બોટલ્સ, ટિન્સ, કોથળીઓ જેવા કચરાના કારણે સૌથી વધુ નુકસાન નદીઓને થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube