Ram Mandir: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આગામી સોમવાર તારીખ 22મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે. બીજી બાજુ 22મી જાન્યુઆરીએ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગાંધીનગર શહેરમાં ઈંડા નોનવેજ સહિતની લારીઓ બંધ રાખવા માટે ગાંધીનગરના મેયરે પત્ર લખ્યો છે. ગાંધીનગર જિલ્લા કલેકટર અને કોર્પોરેશન કમિશનરને પત્ર લખીને 22 મી જાન્યુઆરીના રોજ ઈંડા નોનવેજ સહિતની લારીઓ બંધ રાખી હિન્દુ ધર્મની આસ્થાને માન આપવા અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતની નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રાખવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મહાનગરપાલિકાના કમિશનરો તેમજ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને આ અંગે પત્ર પાઠવીને તેમના વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રહે તેની કાળજી લેવા સૂચનાઓ આપી છે.


ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. જેને લઈને ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારે તમામ કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી. હવે ગુજરાત શિક્ષણ વિભાગે પણ આ દિવસે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજાની જાહેરાત કરી છે.


પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટ મનપા પણ અડધો દિવસ બંધ રહેશે. વડોદરાના વાઘોડિયા GIDCમાં રજા રહેશે. આ ઉપરાંત હિંમતનગર, જેતપુર, ઊંઝા, ખેરગામ, પોરબંદર સહિતના કેટલાક માર્કેટયાર્ડ પણ સ્વૈચ્છિક બંધ રહેશે.