સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ચેલેન્જ ફેંકી, તાકાત હોય તો ગુજરાતથી ચૂંટણી લડી બતાવો
- વર્ષોથી પરંપરાગત કોંગ્રેસનો ગઢ ગણાતા વાંસદા વિસ્તારમાં મતદારોને રીઝવવા સ્મૃતિ ઈરાનીને સ્ટાર પ્રચારક બનાવીને ઉતાર્યા
- આસામમાં રાહુલ ગાંધીએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણીનો સ્મૃતિ ઈરાનીએ જડબાતોડ જવાબ આપ્યો
સ્નેહલ પટેલ/નવસારી :આસામમાં રાહુલ ગાંધીએ કરેલા ગુજરાતીઓના અપમાનનો સ્મૃતિ ઈરાનીએ સણસણતો જવાબા આપ્યો છે. પ્રહાર કરતા સ્મૃતિ ઈરાનીને નવસારીથી રાહુલ ગાંધીની ખુલ્લે ચેલેન્જ ફેંકી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાહુલમાં તાકાત હોય તો ગુજરાતથી ચૂંટણી લડી બતાવે. ગુજરાતથી રાહુલ ચૂંટણી લડે તો ચાની ચા અને પાણીનું પાણી થઈ જશે. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આસામના ચાના બગીચામાં મજૂરી કરનારાઓને દૈનિક રૂપિયા 167 મજૂરી મળે છે. જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વેપારીઓને ચાના બગીચા જ મળી જાય છે. જેને અંગે પ્રહાર કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાતનું અપમાન કર્યું છે. ચા વાળાના ખિસ્સામાંથી રૂપિયા કાઢવાનું રાહુલ ગાંધીએ કહ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીમાં તાકાત હોય તો ગુજરાતથી ચૂંટણી લડી બતાવે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મેદાનમાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના વાંસદામાં આજે તેમની જાહેર સભા યોજાઈ હતી. રસ્તામાં અનેક જગ્યાએ સ્વાગત કરાયું હતું. વર્ષોથી પરંપરાગત કોંગ્રેસનો ગઢ ગણાતા વાંસદા વિસ્તારમાં મતદારોને રીઝવવા સ્મૃતિ ઈરાનીએ ભાજપના વિકાસની વાતો કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણની શરૂઆતમાં સ્થાનિક ભાષામાં લોકોના ખબર અંતર પૂછી લોકોના દિલ જીતવાના પ્રયત્નો કર્યો. તો સાથે જ આસામમાં રાહુલ ગાંધીએ ગુજરાત અને ગુજરાતીઓ પર કરેલા નિવેદનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ આટલા વર્ષોમાં જે નથી કરી શકી તેવા કાર્યો નરેન્દ્ર મોદીએ કર્યા છે. આરોગ્ય, શિક્ષણ અને લોકડાઉન સમયમાં સરકારે કરેલા કામોને ગણાવીને રાહુલ ગાંધીએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. જેથી હું એમને કહેવા માગું છું કે તાકાત હોય તો ગુજરાતમાં આવીને ચૂંટણી લડી બતાવે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદા તાલુમાં ભાજપ નબળું ગણાય છે. તેથી ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા સ્મૃતિ ઈરાનીને મેદાને સ્ટાર પ્રચારક તરીકે ઉતાર્યા હતા. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના બદલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (smriti irani) રાજકોટમાં પ્રચાર કરશે તેવી જાહેરાત કરાઈ છે. આવતીકાલે સ્મૃતિ ઈરાની મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં 2 સભામાં હાજરી આપશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાંચ જગ્યાએ સભાને સંબોધશે. રાજકોટમા વોર્ડ નંબર 13 અને 14 માં સ્મૃતિ ઈરાનીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની (smriti irani) વોર્ડ નંબર 7 માં લોક સંપર્ક માટે ઘરે ઘરે જશે અને મતદારોને મળશે.