તો રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે? હવામાન વિભાગે કરી નવી આગાહી
ગુજરાતના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તેની માહિતી આપી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. બીજીતરફ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધશે.
સપના શર્મા, અમદાવાદઃ રાજ્યમાં અત્યારે ડબલ સીઝનનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમી લાગી રહી છે તો સાંજ પડતા ઠંડી શરૂ થાય છે. ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યો છે. હવે રાજ્યના હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે.
અમદાવાદ હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે કહ્યું કે અમદાવાદમાં 20 ડિગ્રી અને હાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં 19 ડિગ્ગી અને ગાંધીનગરમાં 18 ડિગ્ગી તાપમાન રહી શકે છે. જ્યારે નલીયામાં સૌથી ઓછુ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયુ છે.
આ પણ વાંચોઃ આ છે ગુજરાતનું એકદમ અનોખું ગામડું, જ્યાં આફ્રીકન જેવા દેખાય લોકો, બોલે શુદ્ધ ગુજરાતી
વરસાદ અંગે આપી માહિતી
રાજ્યમાં હાલમાં લોકો એક દિવસમાં બે સીઝનનો અનુભવ કરી રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતમાં પૂર્વથી ઉત્તર પૂર્વ પવનો ફૂંકાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળો બની શકે છે, પરંતુ આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગે કહ્યું કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે કે તાપમાન ઘટતા રાજ્યમાં ફરી ઠંડી વધશે. રાજ્યમાં નવ ફેબ્રુઆરી બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.