રવિ અગ્રવાલ :વડોદરાના સોખડા સ્વામીનારાયણનો વિવાદનો અંત આવતો નથી. સતત વધી રહેલા વિવાદો વચ્ચે હવે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય બે ભાગમાં વહેંચાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામીનું અને પ્રબોધ સ્વામીનું ગ્રુપ બે ભાગમાં વહેંચાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામી ગ્રુપના સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીનો કોલર પકડીને અને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હોવાની ભક્તોએ કલેક્ટરને રજુઆત કરી છે. જે મામલે જિલ્લા પોલીસ એક્સનમાં આવી અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી, તથા DySP, તાલુકા પોલીસ અને મામલતદારે સોખડા મંદિર ખાતે તપાસ હાથ ધરી હતી. અનેક સંતોની પૂછપરછ કરવામાં આવી, તથા મંદિરમાં કોઈ અઘટિત ઘટના ન બને માટે પોલિસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ સમગ્ર વિવાદ વચ્ચે આજે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના અગ્રણીઓની કલેક્ટર સાથે બેઠક પણ યોજાઈ હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે સોખડા મંદિરના સરલ સ્વામીએ ઓડિયો વાયરલ કર્યો છે, જે પ્રમાણે તેમની અને ચરણ સ્વામીની પ્રબોધ સ્વામીએ માફી માગી છે. જો કે સરલ સ્વામીના ઓડિયો પર સાધુ સુરજ જીવન દાસ, ગુરુ પ્રસાદ દાસ અને શ્રીજી ચરણ દાસે પ્રતિક્રિયા આપતા વાતને ખોટી ગણાવી છે. આ ઉપરાંત પ્રબોધ સ્વામી પર થયેલા હુમલાના આક્ષેપ મુદ્દે હરિભક્ત અનુજ ચૌહાણનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે માંગ કરી છે કે, પ્રબોધ સ્વામી પર હુમલો કરનાર સ્વામીને સોખડા મંદિરથી બહાર કરવામાં આવે. 



નોંધનીય છે કે, આ પહેલા પણ અનુજ ચૌહાણે કરેલી પોલીસ ફરિયાદમાં પ્રબોધ સ્વામી પર જાનનું જોખમ હોવાની પોલીસને જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીના દેવલોક થયા પછી ગાદી માટે વિવાદ વકરી રહ્યો છે અને છેલ્લા 10 દિવસથી લોકો માટે મંદિરમાં પ્રવેશ પણ બંધ રાખવામાં આવ્યો છે.



સંતોના બંને જૂથોનો વિવાદ હવે કલેકટર સુધી પહોંચ્યો છે. સોખડા હરિધામ મંદિરના વિવાદનો મામલે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો અને સેવકો કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. વડોદરા કલેકટર એબી ગોર સાથે સંતો અને સેવકો સાથે બેઠક કરી હતી. પ્રબોધ સ્વામી જૂથના અનુયાયીઓએ ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. કલેક્ટર એબી ગોરે આ મામલે કહ્યુ કે, સંતો મને મળવા આવ્યા હતા. સંતોની રજૂઆત સાંભળી ચેરિટી કમિશનરને રજૂઆત ફોરવર્ડ કરીશ. 



પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના સંતોની બેઠક કલેકટર સાથે પૂર્ણ થયા બાદ શ્રીજીચરણ સ્વામીએ કહ્યુ હતું કે, કલેકટરે અમને કહ્યું છે કે, બંને પક્ષો શાંતિ જાળવો. કલેક્ટરને મંદિરનો વિવાદ ઉકેલાય તેવી અમે માંગણી કરી છે. બધાને ખબર છે મંદિરમાં ગાદીનો વિવાદ ચાલે છે, શાંતિથી વિવાદ પૂરો થાય એવી અમને વિનંતી કરી. કલેક્ટરે અમારી રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી છે. વિવાદનો અમે શાંતિથી ઉકેલ લાવીશું, ભજન પ્રાર્થનાથી વિવાદનો ઉકેલ લાવીશું.