ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2020માં જ કોંગ્રેસ પક્ષ છોડનાર કોંગ્રેસના જૂના જોગી એવા સોમાભાઈ પટેલનો ઘરવાપસીના પ્રયાસ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ સરકીટ હાઉસમાં અશોક ગેહલોતે મળવાનો સમય ન આપતા સૌરાષ્ટ્રના સહપ્રભારી રામ ક્રિષ્ના સાથે બેઠક કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પક્ષ પલટો કરનાર સોમા ગાંડાનો ઘર વાપસી માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકીટ હાઉસમાં આજે તેઓ અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા, પરંતુ અશોક ગેહલોતે સોમાભાઈને મળવાનો સમય આપ્યો નહોતો. આથી સોમા પટેલે સહપ્રભારી રામ કિશન ઓઝા સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમા પટેલે 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું..


કોંગ્રેસ પક્ષ છોડનાર કોંગ્રેસના જૂના જોગી એવા સોમાભાઈ પટેલે વિધાનસભા ચૂંટણી લડવા સંદર્ભે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું કોઇને મળવા ગયો નહોતો. મારે જો અશોક ગેહલોતને મળવુ હોત તો રાજસ્થાન જાવ એમ છું. પરંતુ એક કેસ ચાલી રહ્યો છે તે સંદર્ભે બાબુ ભાઇ માંગુકિયાને મળવા ગયો હતો. વિધાનસભાની ચૂંટણી તેઓ જરૂરથી લડશે તેમ જણાવ્યુ હતું.


સોમા ગાંડાનો રાજકીય ઇતિહાસ
સૌ પહેલીવાર 1989માં સોમાભાઈ પટેલ ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1991માં પણ ફરી ચૂંટણી આવતા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા હતા. 2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા અને જીત્યા હતા. 2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ આપી નહોતી. જેના કારણે 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી જીતી ગયા હતા. વર્ષ 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરથી 5 હજાર મતોની લીડે જીત્યા હતા. સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા હતા. 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ફરી ધારાસભ્ય બની ગયા. સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભામાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામુ અપાવ્યું હતું.


ત્યારબાદ લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમા ગાંડાએ દીકરાને ટિકિટ અપાવી હતી. પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો હતો. 2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા હતા. પરંતુ આ વખતે તેમને નસીબે સાથ આપ્યો નહોતો. 2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ હતી. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા હતા. કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા હતા. ફરી 2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહી. 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી સોમા ગાંડાને ટિકિટ આપી પણ તેઓ હારી ગયા હતા. મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડે સોમા ગાંડા હાર્યા હતા.