હિમાંશુ ભટ્ટ/ મોરબી: વર્તમાન સમયમાં કેટલાક સંતાનો તેના વૃદ્ધ માતા-પિતાને તેની વૃદ્ધાવસ્થા વખતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે મોરબીમાં ૯૦ વર્ષની ઉમરે કુદરતી રીતે જ અવસાન પામેલા માતાની અંતિમ ઈચ્છાને પણ પૂરી કરવા માટે દીકરાએ બેન્ડ વાજા સાથે માતાની અંતિમ યાત્રા કાઢી હતી. પાપા પગલીથી પગભર કરવા સુધીમાં જેનું શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું યોગદાન હોય છે તે માતાને અંતિમ વિદાય આપવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાભાવિક રીતે કોઈના ઘર પાસે ડાઘુઓ ઉભા હોય ત્યારે તે ઘરની આસપાસમાં શોકનું વાતવરણ જોવા મળે છે. પરંતુ બેન્ડવાજા સાથે ડાઘુઓને જોઇને તમે પણ વિચારતા હશો કે, ગમનો માહોલ છે કે ખુશીનો માહોલ છે. માટે તમને જણાવી દઈએ કે મોરબીના માઘાણી શેરીમાં રહેતા એસટીના પૂર્વ કર્મચારી સ્વ.રમેશચંદ્ર છોટાલાલ જાનીના પત્ની વાસંતીબેન જાનીનું ૯૦ વર્ષની ઉંમરે કુદરતી રીતે અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં જોડવા માટે સગાવ્હાલા ઉપરાંત આડોશી પાડોશી સહિતના તેમના ઘરે આવ્યા હતા. 


આ દરમ્યાન બેન્ડ વાજા વાળા આવીને ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા ત્યારે મોરબી એસટી ડેપોમાં ફરજ બજાવતા વાસંતીબેન જાનીના દીકરા યોગેશભાઈએ કહ્યું હતું કે, તેમની માતા ધાર્મિક સ્વભાવના હતા. જીવન સફરના છેલ્લા દિવસોમાં તેમને એવી લાગણી વ્યક્ત કરી હતી કે, “આ ઘરની અંદર હું વાજતે ગાજતે આવી હતી અને અહી બધું જ છોડીને એક દિવસ જવાનું જ છે પરંતુ જે દિવસે માટે છેલ્લી વિદાય આપવાની હોય ત્યારે પણ વાજતે ગાજતે વિદાય આપજો”. 


જેથી માતાની અંતિમ ઈચ્છાને પણ પૂરી કરવા માટે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જેમાં જોડાયેલા ડાઘુઓ પણ બોલી ઉઠ્યા હતા કે, વર્તમાન સમયમાં શ્રવણ જેવા દીકરા થાય તેવી આશા રાખવી પણ અતિશયોક્તિ સામન છે. પરંતુ માતા-પિતાની ઈચ્છા હયાતીમાં તો ઠીક પરંતુ તેમની ગેરહાજરીમાં પણ પૂરી કરે તેવા યોગેશભાઈ જેવા દીકરા પણ ઘરે ઘરે હોય તો કદાચ વૃદ્ધાશ્રમો બંધ કરવા પડે તો નવાઈ નહી.