Surat News સંદીપ વસાવા/સુરત : સુરત જિલ્લામાં ડાંગરનું મબલખ ઉત્પાદન જોવા મળ્યું છે. ડાંગમાં વિઘા દીઠ 10 થી 15 મણનો વધારો થયો છે. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. પરંતું વધતી જતી મોંઘવારીને કારણે જગતનો તાત પરેશાન થઈ રહ્યો છે. પરંતુ મોંઘવારી સામે લાચાર બન્યા છે. ખાતરના વધતા ભાવ ઓછા કરવા ખેડૂતોએ સરકાર પાસે મદદની અપીલ કરી છે. જો આવુ ને આવુ ચાલતુ જશે તો ખેડૂતો ખેતી કરવાથી મોઢુ વાળી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જિલ્લામાં અને તે પણ ખાસ કરીને ઓલપાડ તાલુકામાં મોટા ભાગે ડાંગરની ખેતી કરવામાં આવે છે અને ડાંગર પકવતા ખેડૂતો હાલ ખુશખુશાલ છે. જેનું કારણ છે ડાંગરના પાકના ઉત્પાદનમાં થયેલો વધારો. સારા વરસાદને કારણે હાલ ખેડૂતોને વિઘા દીઠ આશરે 10 થી 15 મણ જેટલો ઉતારો વધારે આવ્યો છે. પરંતુ ખાતરના ભાવ, વધેલી ખેતમજૂરી તેમજ મોંઘવારીના કારણે ખેડૂતો થોડા દુઃખી છે. ખેડૂતોની માંગ છે કે ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવે, જેથી ખેડૂત સમૃદ્ધ થઈ શકે. 


ઓલપાડ તાલુકો ડાંગર પકવવામાં મોખરે છે. ખેડૂતો લેગભગ ત્રણેય સીઝન ડાંગરનો પાક લેતા હોય છે. આ વર્ષે પણ સારા વરસાદને કારણે ડાંગરનું મબલખ ઉત્પાદન થયું છે. ઓલપાડ તાલુકાનાના કમરોલી ગામના ખેડૂત ઠાકોરભાઈ પટેલ પણ પોતાની 8 વિઘા જમીનમાં ડાંગરની ખેતી કરે છે અને આ વર્ષે ડાંગરના ઉત્પાદનને લઈ ખુશ છે. ગત સીઝનની સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે 55 થી 60 મણ જેટલો ડાંગરનો ઉતારો આવ્યો હતો. જેની સામે હાલ આજ જમીનમાં 70 થી 75 મણ પ્રતિ વિઘા દીઠ ઉતારો આવ્યો છે. જોકે ઠાકોરભાઈ ખાતરના વધેલા ભાવ અને મોંઘવારીને લઈ થોડા ચિંતિત પણ જણાઈ રહ્યાં છે. 



ઓલપાડ તાલુકામાં 10,000 હેક્ટર થી વધુ ડાંગરની રોપણી કરવામાં આવે છે અને પાક લેવામાં આવે છે. તૈયાર થયેલો ડાંગર ખેડૂતો સહકારી મંડળીમાં નાંખતો હોય છે. હાલ સરકાર દ્વારા ડાંગરના ટેકાના ભાવ 412 રૂપિયા પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ સરકારના ડાંગર લેવાના નીતિ નિયમો અને મર્યાદિત જથ્થો નક્કી કરવામાં આવ્યો છે. જેથી ખેડૂતો સહકારી મંડળીમાં પોતાનો પાક આપી રહ્યા છે. ત્યારે ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે 5 લાખ 9 હજારથી વધુ ગુણી સહકારી મંડળીઓમાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 8 લાખ 76 હજાર ગુણી આવી ચૂકી છે. ત્યારે આ વખતે સરકારી મંડળી ઓ કેટલા ભાવ ખેડૂતને ચૂકવે તેની પર સરકારની નજર રહેશે તેવુ ઓલપાડ કોટન મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું.