જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :શૈક્ષણિક ખર્ચાઓના ભારણ વિદ્યાર્થીઓના વાલીઓ માટે કોઇ સામાન્ય બાબત નથી હોતી, આવામાં મહામારીના લઇને કેટલાય પરિવારોની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ છે, તેવામાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી અતંર્ગત આવતી દરેક કોલેજને તોમના દ્વારા ગત વર્ષે લેવાયેલી પરીક્ષા ફી દસ દિવસમાં પરત કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે અને જો આ પ્રમાણે ફી પરત નહી થાય યુનિવર્સીટી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે પણ પરિપત્ર કરાયો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ 19 ને લઈને જે વિદ્યાર્થીઓને ગત વર્ષે મેરીટ બેઈઝ્ડ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું, તે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત આપવી. જોકે, ઓછામાં ઓછી પાંચથી સાત ફરિયાદો મળી છે કે હજી સુધી કેટલીંક કોલેજ-સંસ્થા દ્વારા ફી પરત આપવામાં આવી નથી. 


આવી ફરિયાદોને લઇને યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કોલેજ-ઈન્સ્ટિટ્યુટ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ ના વિદ્યાર્થીઓ કે જેઓએ ત્રીજા અને પાંચમા સેમિસ્ટરમાં મેરીટ બેઈઝ્ડ પ્રોગ્રેશન મળેલું છે, તેવા વિદ્યાર્થીઓની સ્નાતક કક્ષાની ફી લેવાની થતી નથી તેમ છતાં પણ કેટલીક કોલેજ-સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ત્રીજા અને પાંચમા સેમિસ્ટરની પરીક્ષા ફી લેવામાં આવી છે. ત્યારે આવી કોલેજ અને સંસ્થાઓએ પરીક્ષા ફી વિદ્યાર્થીઓને દસ દિવસમાં પરત આપવાની રેહશે. આ નિર્ણયને લઇને યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૭ પછી રજિસ્ટર થયેલા સ્નાતક કક્ષાના બીજા અને ચોથા સેમિસ્ટરમાં મેરિટ બેઈઝ્ડ પ્રોગ્રેશનથી ઓગસ્ટ ૨૦૨૦માં પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા આગળના સેમિસ્ટરમાં એટલે કે ત્રીજા સેમિસ્ટરની નવેમ્બર ૨૦૨૦ ની અને પાંચમા સેમિસ્ટરની નવેમ્બર ૨૦૨૦ ની પરીક્ષા ફી મજરે અપાઇ છે. મહામારીમાં યુનિવર્સિટીનો આ નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સાચા અર્થમાં મદદરુપ સાબિત થયો છે.