Gujarat Tourism: ફરવાના શોખીન છો? તો ગુજરાતની આ જગ્યા `સ્વર્ગ`થી ઓછી નથી, ગોવા પણ છે ફેલ!
Gujarat Tourisam : ભારત પોતાના પ્રાકૃતિક સૌંદર્યને લઈને વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંના ઐતિહાસિક વારસા વિશે પૂછશો જ નહીં. જો દરિયાની સુંદરતાની વાત કરીએ તો ગોવાને સૌથી સુંદર માનવામાં આવે છે. અહીં ભારત અને વિદેશમાંથી પ્રવાસીઓ આવતા રહે છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ચાંદીની જેમ ચમકતી રેતી, તેણે વારંવાર સ્પર્શ કરતી સમુદ્રની લહેરો, દૂર ક્ષિતિજ સુધી સમુદ્ર પર નમતું વાદળી આકાશ, કિનારાની બીજી બાજુએ દરિયાઈ પવન સાથે લહેરાતા તાડના વૃક્ષો... બધુ એવું કે જોનારા જોતા રહી જાય. કંઈ જગ્યા છે આ, જ્યાં બધું નવું દેખાઈ રહ્યું છે? જોકે તમને જણાવી દઈએ કે આ ગોવા નથી... અરે સાહેબ, કોવલમ પણ નથી..ના ના પુરીનો બીચ પણ નથી. તમને જણાવી દઈએ કે, આ જગ્યા છે 'દીવ'. સુંદરતા એવી છે કે તેની કોઈ સીમા જ નથી. આ સ્થળ મુખ્ય ભૂમિથી દૂર અરબી સમુદ્રમાં એક ટાપુના રૂપમાં આવેલું છે, આ પ્રવાસન સ્થળ ગુજરાતના એક છેડે આવેલું છે. આખરે દીવ જ શા માટે...
ભારત પોતાના પ્રાકૃતિક સૌંદર્યને લઈને વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંના ઐતિહાસિક વારસા વિશે પૂછશો જ નહીં. જો દરિયાની સુંદરતાની વાત કરીએ તો ગોવાને સૌથી સુંદર માનવામાં આવે છે. અહીં ભારત અને વિદેશમાંથી પ્રવાસીઓ આવતા રહે છે. પરંતુ ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાની વાત કરીએ, તો તેના આગળ ગોવાનો દરિયા કિનારો પણ ફીક્કો લાગે છે. ગુજરાતના ઘણા દરિયા કિનારા એટલા સુંદર છે કે પ્રવાસીઓ અહીં વારંવાર આવવાનું પસંદ કરે છે.
સૌથી સુંદર છે દીવ
જરાતનો સૌથી સ્વચ્છ અને સુંદર બીચ દીવ છે. અહીં ફરવા માટે દેશમાંથી જ નહીં, વિશ્વભરમાંથી પર્યટકો આવતા જતા રહે છે. માત્ર બીચ જ નહીં, અહીં અનેક પ્રાકૃતિક સ્થળો છે જે પ્રવાસીઓને આકર્ષે છે. દીવ નગરમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર અહીંનો કિલ્લો છે. દીવનો કિલ્લો ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે અને ચોથી બાજુએ એક નાની નહેર તેનું રક્ષણ કરે છે. આ જ દિશામાં કિલ્લાનું પ્રવેશદ્વાર છે. આ કિલ્લો 16મી સદીમાં ગુજરાતના સુલતાન બહાદુર શાહે મુઘલ આક્રમણ સામે રક્ષણ આપવા પોર્ટુગીઝ સાથેની સંધિ હેઠળ બાંધ્યો હતો. તે સમયગાળા દરમિયાન કિલ્લાના પ્રાચીર પર તૈનાત ઘણી તોપો હજુ પણ જોઈ શકાય છે.
જો કે, સમયની બરબાદીને કારણે ધીરે ધીરે ક્ષીણ થઈ રહી છે. દીવ કિલ્લા પરથી સમુદ્રનો નજારો જોવા જેવો છે. કિલ્લાની સામે દરિયાની અંદરની બાજુએ, બીજી નાની કિલ્લા જેવી ઇમારત છે. તેને પાણીકોટા કહે છે. ખાડીના મુખ પર બનેલ હોવાથી તેને દૂરથી જોઈ શકાય છે. અહીં એક ચેપલ પણ છે, જે ‘અવર લેડી ઓફ ધ સી’ને સમર્પિત છે. સ્થાનિક લોકો પાનીકોટાને કાલાપાની જેલ કહે છે. કિલ્લાથી થોડે દૂર ફેરી જેટી છે. જ્યાંથી ખાડીમાં બોટ પ્રવાસ કરી શકાય છે.
ગુફામાં શિવલિંગ
દીવના ફુદમ ગામમાં દરિયા કિનારે એક ઢાળવાળી ખડકની નીચે એક નાની ગુફા છે. એવું માનવામાં આવે છે કે પાંડવો જ્યારે વનવાસમાં ભટકતા હતા ત્યારે આ વિસ્તારમાં થોડો સમય રહ્યા હતા. તેમણે આ ગુફાની અંદર પાંચ શિવલિંગ સ્થાપિત કર્યા હતા. તે શિવલિંગ આજે પણ ત્યાં હાજર છે. આ જગ્યાને ગંગેશ્વર મંદિર કહેવામાં આવે છે. જ્યારે સમુદ્રનું સ્તર વધે છે, ત્યારે આ શિવલિંગો ઘણીવાર ડૂબી જાય છે. જાણે સમુદ્ર ભગવાન શિવને આદરપૂર્વક અભિષેક કરે છે. ગંગેશ્વર મંદિર અહીંના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
જાલંધર દૈત્યનું રહસ્ય
આ નાનકડો ટાપુ ગુજરાતના કાઠિયાવાડ દરિયાકાંઠાના વિસ્તારની નજીક મુખ્ય ભૂમિથી થોડો દૂર છે. ઉત્તર દિશામાં ગુજરાતના જૂનાગઢ અને અમરેલી જિલ્લાની જમીન આવેલી છે. બાકીની ત્રણ બાજુઓ સમુદ્રથી ઘેરાયેલી છે. આ ટાપુ મુખ્ય ભૂમિ સાથે બે પુલ દ્વારા જોડાયેલ છે. એવું માનવામાં આવે છે કે પૌરાણિક સમયમાં અહીં જલંધર રાક્ષસનું શાસન હતું, જેનો ભગવાન વિષ્ણુએ અંત કર્યો હતો. પાંડવો પણ તેમના વનવાસ દરમિયાન થોડા દિવસ અહીં રહ્યા હતા. દ્વારકા શહેરની સ્થાપના પછી આ વિસ્તાર પણ ભગવાન શ્રીકૃષ્ણના પ્રભાવ હેઠળ રહ્યો.
તે ખ્રિસ્તના 322-320 વર્ષ પહેલા મૌર્ય વંશના નિયંત્રણ હેઠળ હતું. બાદમાં અહીં ગુપ્ત અને ચાલુક્ય રાજાઓએ રાજ કર્યું. દીવને પણ ઘણી વખત બાહ્ય હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. પોર્ટુગીઝ અહીં 16મી સદીમાં વેપાર માટે આવ્યા હતા. ધીરે ધીરે તેઓએ દીવને વસાહત બનાવ્યું. ડિસેમ્બર 1961માં ગોવા અને દમણની સાથે દીવ પણ આઝાદ થયું હતું. લગભગ 450 વર્ષથી પોર્ટુગીઝના પ્રભાવ હેઠળ રહેલા આ નાના ટાપુ પર પોર્ટુગીઝ સંસ્કૃતિના ચિહ્નો હજુ પણ જોવા મળે છે.