Corona સામેનો જંગ જીતવાના નાના ગામોના સલામ કરવા પડે એવા મોટા આઇડિયા
ગુજરાતના વડસર ગામે તેની સીમા સીલ કરી નાખી છે તો કાશ્મીરના એક ગામે રોજ એક ટંક ભોજન લેવાનો જ વિચાર અપનાવ્યો છે.
વડસર : ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોરોના (Coronavirus)એ પગપેસારો કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે ગુજરાતના એક ગામે કોરોના સામેની લડાઈમાં સરકારી તંત્ર પર આધાર રાખવાને બદલે સ્વયં આગોતરું આયોજન હાથ ધર્યું હતું. ગ્રામપંચાયતની કોઠાસૂઝને કારણે આજે આ ગામ કોરોના સામેની લડાઈમાં સ્થાનિક તંત્ર કરતાં પણ એડવાન્સ સાબિત થયું છે. આ ગામ છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું વડસર. અહીંની ગ્રામપંચાયતના દૂરંદેશી અને આગોતરા આયોજનને કારણે ગ્રામજનો સંપૂર્ણ લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પણ બિલકુલ હેરાન નથી થઈ રહ્યા.
વડસરમાં 19 માર્ચ પછી તરત પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. પંચાયતે પહેલાં ખેડૂતોને ગામનાં શાકભાજી, અનાજ અને કઠોળ બહાર ન લઈ જવા સમજાવ્યા. આ પછી પશુપાલકોને ગામલોકોના વપરાશ જેટલો દૂધ-ઘીનો પુરવઠો જાળવી રાખવા મનાવ્યા. કરિયાણાની દુકાનોવાળાને 22મી માર્ચના લોકડાઉન પહેલાં જરૃરી સામાન ભરી દેવાની સૂચના આપવામાં આવી. શહેરોના મોટા રસ્તાઓ પર પોલીસે બેરિકેડ પણ નહોતાં ગોઠવ્યાં ત્યારે અહીં ગામલોકોએ લાકડાં ગોઠવીને કામચલાઉ ચોકી ઊભી કરી આવતાજતાં લોકો પર નજર રાખવા ચોકીદારો પણ ગોઠવી દીધા હતા. દરેક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવતી. રાજ્યના તંત્રે જ્યારે ગ્રામપંચાયતોને શાકભાજી લોકો સુધી પહોંચાડવાનો આદેશ કર્યો એના અઠવાડિયા પહેલાં જ આ ગામની પંચાયતે ગામનાં ખેતરોમાંથી તાજું શાકભાજી વાજબી ભાવે વેચવાનું શરૃ કરી દીધું હતું.
ગુજરાત સિવાય જમ્મુના એક ગામે પણ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે ઘોષિત લોકડાઉનની લોકોની કમાણીના સ્ત્રોત ઠપ્પ થઈ ગયા છે. આવામાં કઠુઆ જિલ્લાની એક પંચાયતે કોરોના સામે જંગ માટે અનોખી પહેલ કરી છે. પંચાયતે નિર્ણય લીધો છે કે, ગામના આશરે 2500 લોકો એક સમયનું ભોજન નહીં કરે જેથી કરિયાણું બચે અને લોકડાઉનમાં દરેક ભૂખ્યા વ્યક્તિને જમવાનું મળી શકે છે. જોકે, આ નિર્ણયમાં ગામની ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને શામેલ કરાયા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube