ગુજરાતમાં અહીં દર શિયાળમાં ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાનના લાખો પક્ષીઓ આવે છે વેકેશન માણવા!
અમદાવાદથી થોડેક અંતરે આવેલાં આ સ્થળ પર જતાંની સાથે જ તમે જાણે જન્નતમાં આવી ગયા હોય તેવો અહેસાસ તમને થશે. એક તરફ દૂર દેશોથી આવેલાં યાયાવર પક્ષીઓ હશે અને બીજી તરફ દૂર દૂરથી આવેલાં સહેલાણીઓ.
-
ઝી બ્યૂરો, અમદાવાદઃ
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે 4 થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 300 થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને ત્યાંથી સાઇબેરીયા આવે છે. ગુજરાતનું એક એવું સ્થળ જ્યાં ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનમાંથી 300થી વધુ પ્રજાતિના લાખો દુર્લભ પક્ષીઓ દર વર્ષે શિયાળામાં બને છે મહેમાન.
કયા-કયા પક્ષીઓ જોવા મળે છે?
પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે. નળ સરોવરમાં તમને ગુલાબી પેલિકન, મોટા ફ્લેમિંગો, ક્રેક્સ, બ્રાહ્મણ બતક, જાંબુડિયા મૌરહેન, હર્ન્સ, સફેદ સ્ટોર્ક, વિવિધ જાતના કડવા, ગ્રીબ જોવા મળશે. આ અલગ અલગ અંદાજે 300થી વધુ પ્રજાતિના લાખો પક્ષીઓ અહીં શિયાળામાં જોવા મળે છે.
ઠંડી શરૂ થતાં અહીં ઉમટે છે સહેલાણીઓઃ
શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. કારણકે, આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ અહીં વિસામો લેવા આવતા હોય છે. છેક ઈરાન અને અફઘાનિસ્તાન ને વિંધિંને પક્ષીઓ અહીં સુધી આવે છે. આ સરોવર પક્ષીવિદો અને અભ્યાસીઓ માટે અતિ રોમાંચક છે. અનેક જાતના પક્ષીઓને એકસાથે જોવા હોય તો તમારે એકવાર નળ સરોવર આવવું જ પડશે. જોકે, તમે આ સુંદર સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે વહેલી સવારે જ અહીં આવવું જોઈએ. પક્ષીઓને જોવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર અને સમી સાંજનો છે.
બોટિંગની પણ માણી શકો છો મજાઃ
અહીં નૌકાવિહાર કરીને તમે નાના-મોટા ટાપુઓનું નિરીક્ષણ કરી શકો છો. ચોમાસાની સિઝનમાં પણ તમે આ રમણીય સ્થળની મજા માણી શકો છો. ચોમાસા દરમિયાન સરોવરનું પાણી એકદમ સ્વચ્છ થઈ જાય છે. બોટ રાઇડમાં પ્રારંભ બિંદુથી ધ્રાબલા આઇલેન્ડ સુધીની સફર અને ત્યાંથી પરત લાવવામાં આવે છે. અહીંના વોચ ટાવર પરથી તમે આખાય નળસરોવરનો એરિયલ વ્યૂ માણી શકો છો. અહીં નાના-નાની ઝૂંપડીઓમાં તમે બાજરીનો રોટલો, દેશી સબજી સાથે કાઢિયાવાડી થાળીની મજા પણ માણી શકો છો. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ સ્થળ બેસ્ટ છે.
ઉજાણી ઘરમાં દેશી જમણવારની મજા....
સાણંદથી 36 કિલો મીટર દૂર અને નળ સરોવરથી જતા રસ્તા પર બર્ડ સેન્ચુરી પહોંચતાના 5 કિલો મીટર પહેલાં જ રસ્તામાં "ઉજાણી ઘર" આવે છે. તમે નળ સરોવર આવ્યાં હોવ તો આ સ્થળ પર તમને બાજરીનો રોટલો, બેંગન ભરથાં, મેથી, ભરેલાં મરચાં, માખણ, કડી, ખીચડી, કચુમ્બર અને છાશની અનલિમિટેડ ડીશની મજા માણી શકો છો. અહીં શુદ્ધ, સાત્વિક ઓછા તેલમાં અને ચૂલા પર માટીના વાણસોમાં બનેલું ભોજન કરવાનો લાહવો મળશે. બીજી ખાસ વાત એ છેકે, અહીં જે જોઈએ તે વસ્તુ તમારે જાતે જ લઈ લેવાની હોય છે અને તમામ ભોજન પાણીના વાસણમાં જ પીરસાય છે. અહીં ટેબલ-ખુરશી ઉપરાંત ખાટલા પર બેસીને જમવાની પણ વ્યવસ્થા છે. જો તમે અહીં જાતે રસોઈ બનાવવાનો આનંદ માણવા માંગતા હોય તો એના માટે પણ અહીં વ્યવસ્થા છે.
લખોટી, ભમરડાં અને વિસરાતી રમતોની મજાઃ
આ ઉપરાંત બાળકો માટે અહીં લખોટી, ભમરડાં, હિંચકા અને જુનૂ વિસરાતી રમતોની પણ વ્યવસ્થા છે. અહીં ફોટો સેશન માટે પણ સારા ઓપ્શન છે. સૌથી મહત્વ ની બાબત આપના દ્વારા બિલ માં ચૂકવાતી રકમ નો નફો આજુબાજુના ગામના 6 વર્ષ સુધી ના કુપોષિત બાળકોના પોષણ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે જાણે અજાણે આપ આ બાળકોના વિકાસ માટે 'નિમિત્ત' બની શકો છો. આ ઉપરાંત નળસરોવર રોડ પર અનેક મોટા રિસોર્ટ આવેલાં છે ત્યાં પણ તમે રજાની મજા માણી શકો છો.