ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, આ ધરતી પર જ હંમેશા અજર અમર રહેનારા જો કોઈ દેવ હોય તો એ હનુમાનજી છે. રામાયણ હોય કે મહાભારત હનુમાનજી અનંતકાળ સુધી યુગોના યુગાંતર સુધી જીવંત દેવતા તરીકે પ્રસ્થાપિત રહેશે. ક્યારેક ભગવાન રામની સેવા કરીને તો ક્યારેક અર્જૂનના રથપર સવાર થઈને તેની મદદ કરીને હનુમાનજી પોતાના આશીર્વાદ આપતા રહ્યાં છે. આજે પૂનમ નિમિત્તે હનુમાન દાદાના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે બોટાદ જિલ્લામાં આવેલાં સાળંગપુરમાં હનુમાનજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ જોવા માટે ભક્તો ઉમટી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડતાલધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પૂનમ નિમિતે ધનુર્માસ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ દાદાને હજારીગલ અને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો છે.  આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી ડી. કે. સ્વામી દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી  કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.


તેમજ મંદિરના પટાંગણમાં  મારુતિ યજ્ઞ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.  તેમજ સાંજે 5.30 કલાકે પૂનમ નિમિત્તે દાદાનું ષોડશોપચાર પૂજન કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા પૂજન, અર્ચન-આરતી કરી આવ્યું છે. જેનો લાખો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા લીધો હતો.