ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનનો અંત, જાણો રાજ્ય સરકારે કોની કેટલી માંગ સ્વીકારી
ST કર્મચારી, માજી સૈનિકો, વન રક્ષક કર્મીઓ બાદ બાદ વધુ એક આંદોલન ગુજરાત સરકારે ગહન ચર્ચા બાદ શાંત પાડ્યું છે.
ગુજરાત: રાજ્યના પાટણનગર ગાંધીનગર આંદોલનનું અખાડો બન્યું હતું. એક પછી એક વિભાગના કર્મચારીઓ સરકાર સામે બાંયો ચઢાવીને પોતાની માંગ પુરી કરવા મજબૂર કરી રહ્યા હતા. ત્યારે ચૂંટણી ટાણે રાજ્ય સરકારે એક જ દિવસમાં એસટી કર્મચારીઓ, માજી સૈનિકો, વનરક્ષકો અને આશાવર્કર બહેનોના આંદોલનનો અંત આણ્યો છે. માજી સૈનિકોની માગ પૂર્ણ કરવા સરકારે કમિટી બનાવી છે, તો ST કર્મચારીઓ સાથે ફોર્મ્યુલા નક્કી કરીને આંદોલનમાં સમાધાન કરાયુ છે. તમને જણાવી દઈએ કે ST કર્મચારી, માજી સૈનિકો, વન રક્ષક કર્મીઓ બાદ બાદ વધુ એક આંદોલન ગુજરાત સરકારે ગહન ચર્ચા બાદ શાંત પાડ્યું છે.
ST નિગમના કર્મચારીઓની 14માંથી 11 માંગ સ્વીકારી લીધી
ST નિગમના કર્મચારીઓ સાથે મંત્રી પૂર્ણેશ મોદીએ મોડી રાત સુધી બેઠક યોજી હતી. એસ.ટી.નિગમના કર્મચારીઓની જે પડતર માંગ હતી તેમાં 14માંથી 11 માંગ સરકારે સ્વીકારી લીધી છે. એસ.ટી.નિગમના ત્રણેય યુનિયનને સમજાવવામાં વાહનવ્યવહાર મંત્રી સફળ રહ્યા છે અને હવે એસ.ટી.નિગમના કર્મચારીઓએ પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી લીધી છે.
ST નિગમના કર્મચારીઓની 14 માંગમાંથી 11 માંગો સ્વીકારી
રાજ્ય સરકારે આજે ST નિગમના કર્મચારીઓની 14 માંગમાંથી 11 માંગો સ્વીકારી લીધી છે. ST કર્મચારીઓના 11 જેટલા પ્રશ્નોનું આજે નિરાકરણ આવી ગયું છે.
- ગ્રેડ-પેનો એરિયર્સ એક જ સપ્તાહમાં ચૂકવાશે.
- 16 કરોડ જેટલું એરિયર્સ ચૂકવાશે.
- 3 ટકા DA 1 ફેબ્રુઆરીમાં ચૂકવાશે.
- દરેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો.
- ફિક્સ પેના કર્મચારીઓમાં પણ વધારો કરાયો છે.
- હેલ્પર અને RTને રૂ. 1000નો વધારો કરાયો.
- ડ્રાઈવર અને કંડક્ટરના માસિક પગારમાં રૂપિયા 2 હજાર 500નો વધારો કરાયો.
- ST વિભાગના 38 હજાર કર્મચારીઓને ફાયદો થશે.
બેઠક બાદ બાકી રહેતું એરિયર્સ 11 % મોંઘવારી ભથ્થા સાથે 3 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ હપ્તો 24 ઓકટોબર સુધી, જ્યારે બીજો હપ્તો 14 જાન્યુઆરી સુધી અને ત્રીજો હપ્તો 25 એપ્રિલ સુધીમાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વન રક્ષક અને વનપાલના પ્રતિનિધીઓ સાથે બેઠક
વન રક્ષક અને વનપાલની કામગીરીને ધ્યાને લેવામાં આવી છે. રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ ચૂકવાશે. વોશિંગ એલાઉન્સ ન હતું મળતું એ એલાઉન્સ પણ હવે મળશે. કેટલાક નિર્ણયોથી પ્રજાને નુકશાન ન થાય તેની જવાબદારી સરકારની છે તેવુ જણાવતા રાજ્ય સરકારની અપીલને ધ્યાને વનકર્મીઓએ આંદોલન સમેટ્યુ છે. જીતુ વાઘાણીએ કહ્યું કે સાતમા પગાર પંચ, સહિત 12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી છે. અગાઉ ન મળતા હોય તેવા લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. કર્મચારીઓને લાભ મળે તે તેમનો અધિકાર છે.
માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ
ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ માજી સૈનિકોનું આંદોલન આખરે આજે પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે પાંચ અધિકારીઓની કમિટીની રચના કરી હતી. જેમાં પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા સરકારે ખાતરી આપી છે. સેનિકોના આંદોલન મામલે રેન્જ IG અભય ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે.
આશાવર્કર બહેનોના આંદોલનનો અંત
આશા વર્કર બહેનોની માંગણીનો સરકારે સ્વિકાર કરતાં આંદોલન સમેટાઈ ગયું છે. આશાવર્કર બહેનોના પ્રતિનિધિઓ સાથે સરકારના આગેવાનોની બેઠક બાદ આંદોલનનો અંત આવ્યો છે. આ મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે- 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓ છે. તેઓ સારું કામ કરી રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનોની માંગણીઓ મુદ્દે એક કલાક સુધી ચર્ચાઓ થઈ હતી. ચર્ચા કર્યા બાદ આશા વર્કર બહેનોની મોટાભાગની માંગણીઓને સ્વીકારવાનો સરકારે નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube